વોશિંગ્ટન: બદલાતા હવામાન અને વધતા ભેજવાળા વાતાવરણને કારણે વિશ્વભરમાં મચ્છરોનો ત્રાસ એક મોટી સમસ્યા બની ગયો છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવી બીમારીઓ ફેલાવતા મચ્છરોને નાથવા માટે ગૂગલે હવે એક ક્રાંતિકારી અને અત્યાધુનિક પ્રોજેક્ટ હાથ ધર્યો છે. 'લોઢું લોઢાને કાપે' તે કહેવતને સાર્થક કરતા ગૂગલે લેબોરેટરીમાં ખાસ જીવાણુઓથી સંક્રમિત કરેલા મચ્છરો તૈયાર કર્યા છે, જે કુદરતી રીતે જ અન્ય રોગકારક મચ્છરોનો ખાતમો બોલાવશે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં માનવજાત માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.
પ્રોજેક્ટની મોડસ ઓપરેન્ડી: મચ્છર જ મચ્છરનો દુશ્મન
ગૂગલના આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વિના મચ્છરોની પ્રજનન ક્ષમતાને અટકાવવાનો છે. લેબોરેટરીમાં તૈયાર કરાયેલા આ ખાસ મચ્છરો જ્યારે કુદરતી મચ્છરો સાથે સંપર્કમાં આવશે, ત્યારે તેઓ તેમની વસ્તી વધતી અટકાવશે. આ મચ્છરો જ્યારે રોગ ફેલાવતા માદા મચ્છરો સાથે પ્રજનન કરશે, ત્યારે તેનાથી કાં તો ઈંડામાંથી નવા મચ્છરો જન્મી શકશે નહીં અથવા જો જન્મે તો પણ તેમની રોગ ફેલાવવાની ક્ષમતા નહિવત થઈ જશે. આમ, કુદરતી રીતે જ મચ્છરોની વસ્તીમાં મોટો ઘટાડો નોંધાશે.
ક્યાં અમલી બનશે આ પ્રયોગ?
ગૂગલ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ અમેરિકાના ફ્લોરિડા અને કેલિફોર્નિયા જેવા રાજ્યોને પસંદ કર્યા છે, જ્યાં મચ્છરોનો ત્રાસ સૌથી વધુ છે. આગામી બે વર્ષના ગાળામાં તબક્કાવાર રીતે કુલ ૩.૨ કરોડ કૃત્રિમ રીતે ફેરફાર કરેલા મચ્છરોને હવામાં છોડવામાં આવશે. સંશોધકોના મતે, આ વિસ્તારોમાં ગરમી અને ભેજને કારણે મચ્છરો પર રાસાયણિક દવાઓ પણ ખાસ અસર કરતી નથી, ત્યારે બાયોલોજીકલ પદ્ધતિ જ એકમાત્ર અસરકારક વિકલ્પ બની રહેશે.
આ પણ વાંચો: 'જો હું ન હોત તો તું જેલમાં હોત...': નેતન્યાહૂ પર ફાટ્યો ટ્રમ્પનો ગુસ્સો! સામે આવ્યા ચોંકાવનારા દાવા
પર્યાવરણ માટે સુરક્ષિત અને અસરકારક
ઘણા લોકોના મનમાં સવાલ થઈ શકે કે શું આ મચ્છરોથી ઈકોસિસ્ટમને નુકસાન થશે? આ અંગે ગૂગલના વૈજ્ઞાનિકોએ સ્પષ્ટતા કરી છે કે આ પ્રયોગ સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે. તેનાથી પર્યાવરણ કે અન્ય જીવસૃષ્ટિને કોઈ પણ પ્રકારની આડઅસર થવાની શક્યતા નથી. 'એક્સપેરિમેન્ટલ બાયોલોજી' જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, પરંપરાગત કીટનાશકો સામે મચ્છરોએ પ્રતિકાર શક્તિ કેળવી લીધી છે, તેથી આ પ્રકારનો નવો પ્રયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
મંજૂરી માટેની પ્રક્રિયા
જોકે, આ પ્રોજેક્ટ હજુ મંજૂરીના તબક્કે છે. અમેરિકાની પર્યાવરણ સંરક્ષણ એજન્સી (EPA) દ્વારા પર્યાવરણીય ડેટાનું અત્યારે ઝીણવટભર્યું આકલન કરવામાં આવી રહ્યું છે. અગાઉ મળેલ પ્રતિસાદ બાદ, ગૂગલે હવે નવેસરથી મંજૂરી માટે અરજી કરી છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો ભવિષ્યમાં દુનિયાના અન્ય દેશો માટે પણ મચ્છરોથી મુક્તિ મેળવવાનો આ એક શ્રેષ્ઠ માર્ગ બની શકે તેમ છે.





