Home Tech/Gadgets Google Fact Check Explorer Tool Fake News Alert

સોશિયલ મીડિયા પર વાયરલ થતી દરેક ખબર સાચી નથી હોતી : Googleનું આ ખાસ ટૂલ સેકન્ડોમાં ખોલશે જૂઠાણાની પોલ

સોશિયલ મીડિયા પર વાયરલ થતી દરેક ખબર સાચી નથી હોતી
Published by: OBS Bureau
Last Updated: Mar 23, 2026, 05:32 PM IST

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા આપણી જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બની ગયું છે. દેશ અને દુનિયાના સમાચાર જાણવા માટે લોકો આ પ્લેટફોર્મ્સનો આશરો લે છે, પરંતુ આ જ જગ્યા સૌથી વધુ ભ્રમ પણ પેદા કરે છે. ઘણીવાર અધૂરી અથવા સંપૂર્ણપણે ખોટી માહિતી એટલી ઝડપથી ફેલાય છે કે સામાન્ય યુઝર માટે સાચું અને ખોટું પારખવું મુશ્કેલ બની જાય છે. આંતરરાષ્ટ્રીય તણાવ હોય કે કોઈ ચીજવસ્તુની અછતની વાત, અફવાઓ ગેરમાર્ગે દોરતી હોય છે. આવી ભ્રમણાઓથી બચવા માટે Google દ્વારા એક શક્તિશાળી 'Fact Check Tool' આપવામાં આવ્યું છે, જે કોઈપણ વાયરલ દાવાની સત્યતા તપાસવામાં મદદ કરે છે.

Google Fact Check Explorer કેવી રીતે કરે છે કામ?

ગૂગલનું આ પ્લેટફોર્મ ખાસ કરીને એવા સમાચારો માટે બનાવવામાં આવ્યું છે જે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ અથવા શંકાસ્પદ હોય. આ ટૂલનો ઉપયોગ કરવા માટે યુઝરે ગૂગલના ફેક્ટ ચેક એક્સપ્લોરર પર જઈને જે-તે ખબર સાથે જોડાયેલા કીવર્ડ્સ સર્ચ કરવાના રહે છે. ત્યારબાદ આ ટૂલ વિશ્વસનીય સ્ત્રોતો અને તપાસ એજન્સીઓ દ્વારા અગાઉથી ચકાસવામાં આવેલી માહિતી રજૂ કરે છે. આનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે વાયરલ થઈ રહેલી વાતમાં કેટલું તથ્ય છે.

ફેક ન્યૂઝ ઓળખવા માટે આ બાબતોનું રાખો ધ્યાન

માત્ર ટેકનિકલ ટૂલ્સ પર નિર્ભર રહેવાને બદલે યુઝર્સે પોતે પણ જાગૃત રહેવું જરૂરી છે. નિષ્ણાતોના મતે, જો કોઈ પોસ્ટ વાંચતા જ તમારામાં અચાનક ડર કે ગુસ્સો પેદા થાય, તો સાવધાન થઈ જવું જોઈએ. ફેક ન્યૂઝ ઘણીવાર ભાવનાત્મક રીતે ઉશ્કેરવા માટે જ બનાવવામાં આવે છે. આ ઉપરાંત, સમાચારના સ્ત્રોતની તપાસ કરવી જોઈએ કે તે કોઈ પ્રતિષ્ઠિત વેબસાઈટ કે લેખક દ્વારા લખવામાં આવ્યા છે કે નહીં.

ભાષા અને હેડલાઈન પરથી પકડાઈ જશે જૂઠાણું

ખોટા સમાચારોમાં મોટાભાગે જોડણીની ભૂલો અને નબળી ભાષા જોવા મળે છે. આજકાલ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા તૈયાર કરવામાં આવેલા ફોટા કે વીડિયો પણ વાયરલ થાય છે, જેમાં ઝીણવટપૂર્વક જોતા અસામાન્ય સંકેતો મળી રહે છે. સૌથી મહત્વની વાત એ છે કે ફેક ન્યૂઝની હેડલાઈન અત્યંત સનસનીખેજ હોય છે. ઘણીવાર વર્ષો જૂના સમાચારોને નવી તારીખ સાથે રજૂ કરવામાં આવે છે, તેથી સમાચારની તારીખ તપાસવી અનિવાર્ય છે. જો આ નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે, તો સોશિયલ મીડિયા પર ફેલાતા જૂઠાણાથી બચી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now