Home Tech/Gadgets Google Chrome 4gb Ai Model Gemini Nano Download Warning

સાવધાન! Google Chrome પરવાનગી વગર ડાઉનલોડ કરી રહ્યું છે 4GB ની ફાઇલ : જાણો શું છે આ AI મોડલ

Google Chrome
Image Credit: Google
Published by: Aryan Shah
Last Updated: May 07, 2026, 07:20 AM IST

Google Chrome : ગૂગલ ક્રોમ, જે વિશ્વભરમાં સૌથી વધુ વપરાતું વેબ બ્રાઉઝર છે, તે હાલમાં તેની 'બેકગ્રાઉન્ડ એક્ટિવિટી' ને કારણે ચર્ચામાં છે. સુરક્ષા સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, ક્રોમ યુઝરની સ્પષ્ટ મંજૂરી લીધા વિના તેના સર્વર પરથી 4GB જેટલી વિશાળ ફાઇલ ડાઉનલોડ કરી રહ્યું છે. આ ફાઇલ ગૂગલના 'Gemini Nano' AI મોડલનો એક ભાગ છે, જેનો ઉપયોગ બ્રાઉઝરની અંદર મોડર્ન AI ફીચર્સ ચલાવવા માટે થાય છે.

સંશોધકનો દાવો અને ટેસ્ટિંગ

સુરક્ષા નિષ્ણાત એલેક્ઝાન્ડર હેન્ફે આ પ્રવૃત્તિને ત્યારે પકડી પાડી જ્યારે તેમણે ક્રોમની ફાઇલ સિસ્ટમમાં થતાં ફેરફારોનું નિરીક્ષણ કર્યું. તેમણે macOS પર એક નવી પ્રોફાઇલ બનાવીને ચેક કર્યું તો જાણવા મળ્યું કે, ક્રોમ પહેલા તમારા લેપટોપ કે કમ્પ્યુટરના હાર્ડવેર (જેમ કે RAM અને પ્રોસેસર) ની તપાસ કરે છે. જો તમારી સિસ્ટમ પાવરફૂલ હોય, તો તે કોઈ પણ નોટિફિકેશન આપ્યા વગર બેકગ્રાઉન્ડમાં 4GB નો ડેટા ડાઉનલોડ કરવાનું શરૂ કરી દે છે. આ પ્રક્રિયામાં યુઝરને ક્યાંય 'Accept' કે 'Download' બટન દબાવવાનું પૂછવામાં આવતું નથી.

કેમ આ ફાઇલ ડાઉનલોડ થઈ રહી છે?

ગૂગલ ક્રોમમાં હવે 'Help me write' (લેખન સહાય) અને ઓટોમેટિક ટેક્સ્ટ સમરી જેવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. આ ફીચર્સ ક્લાઉડને બદલે તમારા પોતાના કમ્પ્યુટર પર લોકલી ચાલે તે માટે 'Gemini Nano' મોડલની જરૂર પડે છે. ગૂગલનો તર્ક એવો છે કે, આનાથી પ્રોસેસિંગ ઝડપી થશે અને ડેટા પ્રાઇવસી જળવાશે, કારણ કે ડેટા ગૂગલના સર્વર પર મોકલવાની જરૂર નહીં પડે. જોકે, સમસ્યા એ છે કે આ માટે વપરાતા 4GB ડેટા અને સ્ટોરેજ વિશે યુઝરને અગાઉથી જાણ કરવામાં આવતી નથી.

ડેટા અને પર્યાવરણ પર તેની અસર

હેન્ફે આ બાબતે એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે કે, જો વિશ્વભરના કરોડો ક્રોમ યુઝર્સ આ રીતે 4GB ડેટા ડાઉનલોડ કરે, તો તે કુલ મળીને 'પેટાબાઈટ્સ' (Petabytes) જેટલો ડેટા થાય. આટલા મોટા પાયે ડેટા ટ્રાન્સફર થવાથી વીજળીનો વપરાશ વધે છે અને કાર્બન ઉત્સર્જનમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત, જે યુઝર્સ લિમિટેડ ડેટા પેક અથવા મોંઘા ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરે છે, તેમના માટે આ અણધારી ડાઉનલોડ આર્થિક નુકસાન લાવી શકે છે.

તમારા લેપટોપમાં આ ફાઇલ કેવી રીતે શોધવી?

જો તમે Windows 11 યુઝર છો અને તમને લાગે છે કે તમારી સ્ટોરેજ સ્પેસ અચાનક ઓછી થઈ ગઈ છે, તો તમે નીચે મુજબ તપાસ કરી શકો છો:

  • તમારા કમ્પ્યુટરમાં આ પાથ પર જાઓ: %LOCALAPPDATA%\Google\Chrome\User Data\

  • અહીં 'OptGuideOnDeviceModel' નામનું ફોલ્ડર શોધો.

  • જો આ ફોલ્ડર અસ્તિત્વમાં છે અને તેની સાઇઝ મોટી છે, તો તેનો અર્થ છે કે AI મોડલ ડાઉનલોડ થઈ ચૂક્યું છે.

આને રોકવાના ઉપાયો

માત્ર ફોલ્ડર ડિલીટ કરવાથી કામ નહીં ચાલે, કારણ કે ક્રોમ તેને ફરીથી ડાઉનલોડ કરી શકે છે. તેને કાયમી ધોરણે રોકવા માટે:

  • બ્રાઉઝરમાં chrome://flags ટાઈપ કરીને એન્ટર કરો.

  • સર્ચ બારમાં 'Optimization Guide On Device' લખો.

  • તેની સામેના ઓપ્શનને 'Disabled' કરી દો.

  • આમ કરવાથી બ્રાઉઝર ઓન-ડિવાઇસ AI મોડલને ડાઉનલોડ કરવાનું બંધ કરશે.

  • ટેકનોલોજીના આ યુગમાં AI અનિવાર્ય છે, પરંતુ યુઝરની સંમતિ વગર આટલો મોટો ડેટા ડાઉનલોડ કરવો એ પ્રાઇવસી અને પારદર્શિતાના નિયમોનું ઉલ્લંઘન ગણી શકાય. ગૂગલે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર અને વિગતવાર સ્પષ્ટતા કરી નથી, ત્યાં સુધી યુઝર્સે પોતે જ સતર્ક રહેવું જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now