સાવધાન! AI વોઇસ સ્કેમથી બચાવવા Google લાવ્યું 'Fake Call Detection' ફીચર
આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના કારણે સાયબર ક્રાઇમના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. સ્કેમર્સ હવે તમારા કોઈ ફેમિલી મેમ્બર, મિત્ર કે નજીકના સંબંધીનો અવાજ AI દ્વારા ક્લોન (નકલ) કરીને અકસ્માત કે આર્થિક મદદના નામે લાખો રૂપિયા પડાવી લે છે. આ પ્રકારના ડીપફેક અને કથિત ઓડિયો સ્કેમ્સથી યુઝર્સને બચાવવા માટે Google એક શાનદાર સિક્યોરિટી ફીચર લઈને આવ્યું છે, જેનું નામ છે 'Fake Call Detection'.
મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારનું આ પહેલું ફીચર છે, જે ફેક કોલ્સને ઓટોમેટિક ઓળખી કાઢશે અને યુઝરને ચેતવણી આપશે.
કેવી રીતે કામ કરશે આ નવું ફીચર?
ગૂગલનું આ નવું પ્રોટેક્શન ફીચર એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્ટેડ RCS (Rich Communication Services) ટેકનોલોજી પર કામ કરે છે. તે એક પ્રકારનું ડિજિટલ હેન્ડશેક (Digital Handshake) છે.
જ્યારે બંને યુઝર્સ 'Phone by Google' એપનો ઉપયોગ કરતા હશે, ત્યારે કોલ કરનારનું ડિવાઇસ સામેની વ્યક્તિના ફોન પર એક સિક્યોર વેરિફિકેશન સિગ્નલ મોકલશે.
જો કોઈ સ્કેમર તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા વ્યક્તિના નંબર અને અવાજનો ઉપયોગ કરીને કોલ કરશે, તો ગૂગલ સિસ્ટમ તે સાચા કોન્ટેક્ટના ડિવાઇસ સાથે ક્રોસ-ચેક કરશે કે ખરેખર ત્યાંથી કોલ કરાયો છે કે નહીં.
જો સાચા ડિવાઇસમાંથી કોલ નહીં થયો હોય, તો સ્ક્રીન પર તુરંત જ 'Fake Call' નું એલર્ટ દેખાશે અને કોલ તરત જ કટ કરવાની સલાહ આપવામાં આવશે.
ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે આ આખી પ્રક્રિયા સંપૂર્ણપણે પ્રાઇવેટ છે અને યુઝરનો ડેટા સેફ રહે છે. આ ફીચર બાય-ડિફોલ્ટ ઓન રહેશે, પરંતુ યુઝર્સ ઈચ્છે તો તેને સેટિંગ્સમાં જઈને બંધ પણ કરી શકે છે.
ગૂગલે અત્યારે જ કેમ લોન્ચ કર્યું આ ફીચર?
માર્ચ 2026 માં પબ્લિશ થયેલા ઈન્ટરપોલ (INTERPOL) ના ગ્લોબલ ફાઇનાન્સિયલ ફ્રોડ થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટ અનુસાર, આવા નકલી આઈડેન્ટિટી સ્કેમ્સના કારણે વૈશ્વિક સ્તરે $400 Billion થી વધુનું નુકસાન થયું છે. આ સિવાય, ફેડરલ ટ્રેડ કમિશનના આંકડા મુજબ 2024 માં માત્ર અમેરિકામાં જ લોકોએ આવા સ્કેમ્સમાં $3 Billion ગુમાવ્યા હતા. સ્કેમર્સ હવે એટલા એડવાન્સ સાધનો વાપરે છે કે પરંપરાગત કોલર આઈડી (Caller ID) સિસ્ટમ તેને પકડી શકતી નથી.
તમારા ફોનમાં ક્યારથી મળશે આ ફીચર?
ગૂગલ આ મહિનેથી ગ્લોબલી આ ફીચરને રોલઆઉટ કરવાનું શરૂ કરી રહ્યું છે.
આ ફીચર Android 12 અને તેનાથી ઉપરના તમામ વર્ઝન પર સપોર્ટ કરશે.
શરૂઆતમાં આ ફીચર Google Pixel સ્માર્ટફોન્સમાં જોવા મળશે.
આ સુવિધાનો લાભ લેવા માટે, યુઝર્સે પ્લે સ્ટોર પરથી 'Phone by Google' એપ ડાઉનલોડ કરીને તેને ડિફોલ્ટ કોલિંગ એપ તરીકે સેટ કરવાની રહેશે.
ગૂગલનું આ નવું કદમ એન્ડ્રોઇડ યુઝર્સની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે.





