Home International Germanys Largest Military Campaign Fear Of Russia And Americas Betrayal Forced Germany To Take Up Arms

હિટલર પછી જર્મનીનું સૌથી મોટું સૈન્ય અભિયાન : રશિયાનો ડર અને અમેરિકાના ‘દગા’એ જર્મનીને હથિયાર ઉપાડવા કર્યું મજબૂર

હિટલર પછી જર્મનીનું સૌથી મોટું સૈન્ય અભિયાન
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 03:51 AM IST

બીજા વિશ્વયુદ્ધની ભયાનકતા અને હિટલરના શાસન પછી, જર્મનીએ દાયકાઓ સુધી સૈન્ય શક્તિથી દૂરી બનાવી રાખી હતી. વિશ્વના નકશા પર એક શાંતિપ્રિય અને આર્થિક મહાસત્તા તરીકે ઉભરી આવેલા જર્મનીએ ક્યારેય વિચાર્યું નહોતું કે, તેણે ફરીથી પોતાની સેનાને યુરોપની સૌથી શક્તિશાળી ફોર્સ બનાવવી પડશે. પરંતુ, વર્ષ 2026ની શરૂઆત થતા જ ચિત્ર બદલાઈ ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો વધતો ખતરો અને અમેરિકામાં ટ્રમ્પ શાસન દરમિયાન બદલાયેલી વિદેશ નીતિએ જર્મનીને ઊંઘમાંથી જગાડ્યું છે. હવે જર્મની તેના ઈતિહાસની સૌથી મોટી સૈન્ય ભરતી અને આધુનિકીકરણના મિશન પર છે.

યુવાનો માટે 'ગોલ્ડન ઓફર': મહિને ₹2.5 લાખનો પગાર અને મફત સુવિધાઓ

જર્મનીની સેના (બુંડેસવેર) અત્યારે તેના ઈતિહાસના સૌથી આકર્ષક તબક્કામાંથી પસાર થઈ રહી છે. યુવાનોને સેનામાં આકર્ષવા માટે સરકાર તિજોરી ખોલી રહી છે.

  • માસિક પગાર: સૈનિકોને આશરે 2,600 યુરો (લગભગ રૂ.2.5 લાખ) ની ઓફર આપવામાં આવી રહી છે.

  • બચત: ટેક્સ કપાત પછી પણ સૈનિકના હાથમાં રૂ.2 લાખ જેટલી રકમ રહે છે.

  • અન્ય લાભો: રહેવા-ખાવાનું મફત અને સંપૂર્ણ તબીબી સારવારની જવાબદારી સરકારની રહેશે. આ ઓફર પાછળનો હેતુ 2035 સુધીમાં સક્રિય સૈનિકોની સંખ્યા 2.60 લાખ અને રિઝર્વ ફોર્સ સાથે કુલ સંખ્યા 5 લાખ સુધી પહોંચાડવાનો છે.

નવો કાયદો: 18 વર્ષના દરેક યુવાને આપવું પડશે ફિટનેસ સર્ટિફિકેટ

જર્મનીએ તાજેતરમાં એક નવો કાયદો પસાર કર્યો છે જે મુજબ દેશના દરેક 18 વર્ષના યુવાન માટે સૈન્ય ફોર્મ ભરવું ફરજિયાત બન્યું છે. આ ફોર્મમાં તેમણે પોતાની શારીરિક અને માનસિક ક્ષમતાની વિગતો આપવી પડશે. જોકે અત્યારે ભરતી સ્વૈચ્છિક છે, પરંતુ કાયદો સરકારને સત્તા આપે છે કે કટોકટીના સમયે તે 'ફરજિયાત સૈન્ય સેવા' (Conscription) લાગુ કરી શકે છે.

કેમ જર્મનીનો અમેરિકા પરથી ભરોસો ઉઠ્યો?

આ આક્રમક સૈન્ય રણનીતિ પાછળનું એક મુખ્ય કારણ અમેરિકા પ્રત્યેનો વધતો અવિશ્વાસ છે.

  • ટ્રમ્પ ફેક્ટર: જર્મનોને હવે લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળનું અમેરિકા NATO પ્રત્યે ગંભીર નથી.

  • સર્વેના આંકડા: ડિસેમ્બર 2025 સુધીમાં 84% જર્મનો માનવા લાગ્યા છે કે અમેરિકા હવે યુરોપની સુરક્ષાની ગેરંટી આપી શકે તેમ નથી.

  • પરમાણુ સુરક્ષા: 75% લોકો હવે અમેરિકી પરમાણુ છત્રને બદલે બ્રિટન અને ફ્રાન્સ સાથે મળીને સુરક્ષા વ્યવસ્થા બનાવવાની તરફેણમાં છે.

પુતિનનો ડર અને રશિયાની ચેતવણી

રશિયા-યુક્રેન યુદ્ધે જર્મનીની આંખો ખોલી નાખી છે. જર્મનીમાં રશિયાના રાજદૂત સર્ગેઈ નેચાયેવે ખુલ્લેઆમ કહ્યું છે કે જર્મની રશિયા સાથેના યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ, 80% જર્મનો માને છે કે પુતિન શાંતિ ઈચ્છતા નથી. આ જ કારણે જર્મનીએ પોતાનું સંરક્ષણ બજેટ વધારીને 108 અબજ યુરો કરી દીધું છે, જે તેના GDPના 2.5% છે. નિષ્ણાતોના મતે 2030 સુધીમાં આ ખર્ચ 3.5% સુધી પહોંચી શકે છે.

શું જર્મની ફરી 'મિલિટરી પાવર' બની શકશે?

ભલે પૈસા અને સંસાધનોની કમી નથી, પણ જર્મની સામે પડકારો ઘણા છે.

  1. નોકરશાહી: હથિયારોની ખરીદી અને ટેન્ડર પ્રક્રિયામાં થતો વિલંબ મુખ્ય અડચણ છે.

  2. સામાજિક વિચારધારા: નાઝી ઈતિહાસને કારણે વૃદ્ધ પેઢી હજુ પણ સૈન્યવાદથી ડરે છે.

  3. રશિયન પ્રોપેગન્ડા: રશિયા સતત એવો પ્રચાર કરી રહ્યું છે કે જર્મન સરકાર તેના યુવાનોને યુદ્ધમાં હોમી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now