PM મોદીએ મેરઠથી પ્રયાગરાજ સુધીના 12 જિલ્લાઓને જોડતા 594 કિલોમીટરના ગંગા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યુ છે. મેરઠથી પ્રયાગરાજ સુધી જોડાતા આ વિશાળ માર્ગથી ગઢમુક્તેશ્વર, કાલ્કી ધામ અને ત્રિવેણી સંગમ જેવા મહત્વપૂર્ણ તીર્થસ્થળો વચ્ચેની કનેક્ટિવિટી ઝડપી બનશે. ગંગા એક્સપ્રેસવે પૂર્ણ થયા બાદ મેરઠથી પ્રયાગરાજ વચ્ચેનો સમય નોંધપાત્ર રીતે ઘટશે જેના કારણે ધાર્મિક પ્રવાસમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગઢમુક્તેશ્વર, જે ગંગા નદીના કિનારે આવેલું મહત્વપૂર્ણ તીર્થસ્થળ છે ત્યાં વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચશે તેવી અપેક્ષા છે.
ગઢમુક્તેશ્વરથી ત્રિવેણી સંગમ સુધી સરળ સફર
ગઢમુક્તેશ્વર હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે જ્યાં કાર્તિક પૂર્ણિમા દરમિયાન વિશાળ મેળો ભરાય છે. ગંગા એક્સપ્રેસવેના કારણે અહીં પહોંચવા માટેનો સમય ઓછો થશે અને આસપાસના વિસ્તારોમાં પણ વિકાસનો માર્ગ ખુલશે. આ ઉપરાંત, પ્રયાગરાજનું ત્રિવેણી સંગમ જ્યાં ગંગા, યમુના અને માન્યતા મુજબ સરસ્વતી નદીઓ મળે છે. દેશભરના યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. એક્સપ્રેસવે બન્યા પછી અહીં પહોંચવું વધુ સરળ બનશે, ખાસ કરીને કુંભ મેળા જેવા વિશાળ ધાર્મિક કાર્યક્રમો દરમિયાન યાત્રાળુઓને મોટી રાહત મળશે.
આ પણ વાંચો: PMએ સિક્કિમમાં 4000 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ : સંબોધનમાં કહ્યું, સિક્કિમ પૂર્વનું સ્વર્ગ
કાલ્કી ધામ અને આધ્યાત્મિક પર્યટનને વેગ
ગંગા એક્સપ્રેસવેનું એક મહત્વપૂર્ણ પાસું એ છે કે તે સંભવિત ધાર્મિક કેન્દ્રો જેવા કે કાલ્કી ધામને પણ મુખ્ય માર્ગ સાથે જોડશે. આથી, નવા તીર્થસ્થળોના વિકાસને પણ પ્રોત્સાહન મળશે. આધ્યાત્મિક પર્યટન છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધતું ક્ષેત્ર બન્યું છે. લોકો માત્ર ધાર્મિક ફરજ તરીકે નહીં, પરંતુ માનસિક શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિ માટે પણ આવા સ્થળોની મુલાકાત લે છે. ગંગા એક્સપ્રેસવે આ પ્રવૃત્તિને વધુ ગતિ આપશે.
સ્થાનિક અર્થતંત્ર પર અસર
ધાર્મિક પર્યટન વધવાથી સ્થાનિક અર્થતંત્રને પણ મોટો ફાયદો થશે. હોટલ, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવાઓમાં રોજગારીની તકો વધશે. ગઢમુક્તેશ્વર અને આસપાસના વિસ્તારોમાં નાના વેપારીઓ માટે આ વિકાસ એક નવી આશા બની શકે છે. એક્સપ્રેસવે આસપાસના વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, નવી બિઝનેસ તકો અને રોકાણની શક્યતાઓ પણ વધશે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં આર્થિક ગતિવિધિઓ તેજ બનશે.
આ પણ વાંચો:
સરકારની દ્રષ્ટિ અને પ્રોજેક્ટનો વ્યાપ
ગંગા એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશના સૌથી મોટા માર્ગ પ્રોજેક્ટ્સમાંનો એક છે, જે રાજ્યના પશ્ચિમ અને પૂર્વ ભાગોને જોડે છે. સરકારનો ઉદ્દેશ્ય માત્ર મુસાફરીનો સમય ઘટાડવાનો નથી. પરંતુ સમગ્ર વિસ્તારમાં સંતુલિત વિકાસ લાવવાનો છે. ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવું પણ આ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કારણ કે ભારત જેવા દેશમાં ધાર્મિક સ્થળોનો સામાજિક અને આર્થિક બંને દ્રષ્ટિએ વિશાળ પ્રભાવ છે.
ગંગા એક્સપ્રેસવે પૂર્ણ થયા બાદ યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. સાથે જ આ માર્ગથી જોડાયેલા તીર્થસ્થળોમાં સુવિધાઓ વધારવાની જરૂરિયાત પણ ઉભી થશે આ પ્રોજેક્ટ માત્ર માર્ગ સુવિધા પૂરતો મર્યાદિત નથી પરંતુ તે ધાર્મિક, સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં લાંબા ગાળાનો પરિવર્તન લાવી શકે છે.






