Home Gujarat Ganesh Sugar Case Complainant Pushpendrasinh Sunava Threat Allegations Bharuch

ગણેશ સુગર કેસમાં નવો વળાંક : ફરિયાદીનો આક્ષેપ- ‘મને ડરાવવા પ્રયાસ થઈ રહ્યા છે’

ભરૂચ કોર્ટ
Published by: Chintan Chavda
Last Updated: Jun 06, 2026, 07:14 AM IST

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારિયા સ્થિત ગણેશ સુગર સહકારી સંસ્થા લાંબા સમયથી આર્થિક ગોટાળા, વિશ્વાસઘાત અને ઉચાપતના આક્ષેપોને લઈને વિવાદના કેન્દ્રમાં રહી છે. સંસ્થાના તત્કાલીન ચેરમેન અને કોંગ્રેસના અગ્રણી નેતા સંદીપ માંગરોલા સહિતના પૂર્વ સંચાલકો સામે થયેલા આક્ષેપોની તપાસ અગાઉ હાથ ધરવામાં આવી હતી અને મામલો પોલીસ ચોપડે પણ નોંધાયો હતો.

આ કેસના ફરિયાદી અને સંસ્થાના સભાસદ પુષ્પેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ સુણાવાએ હવે નવા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે કેસની કાર્યવાહી આગળ વધતા તેમને ડરાવવા, ધમકાવવા અને દબાણમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંગે તેમણે પોલીસ સમક્ષ બે અલગ-અલગ ઘટનાઓનો ઉલ્લેખ કરીને લેખિત અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: જેના પર વિશ્વાસ મૂક્યો એ જ નીકળ્યો ઠગ! : ડેસરમાં ગ્રાહકોનું સોનું વેચી મારનાર સોની વેપારી ઝડપાયો

કોર્ટમાં હાજરી દરમિયાન ડરાવવાનો પ્રયાસ થયો હોવાનો દાવો

પુષ્પેન્દ્રસિંહ સુણાવાના જણાવ્યા મુજબ, તાજેતરમાં તેઓ વાલિયા કોર્ટમાં કેસની સુનાવણી માટે જઈ રહ્યા હતા. તેમની સાથે જિલ્લા સરકારી વકીલ, પોલીસ ગાર્ડ અને સહાયક વકીલ પણ હાજર હતા. તે દરમિયાન વાલિયા-સીલુડી ત્રણ રસ્તા નજીક એક આઇસર ટેમ્પો ખૂબ જ ઝડપથી તેમની ગાડીની નજીકથી પસાર થયો હતો.

સુણાવાનો આક્ષેપ છે કે આ ઘટના સામાન્ય અકસ્માત જેવી ન હતી, પરંતુ તેમને ભયભીત કરવા અને દબાણ લાવવાના પ્રયાસનો એક ભાગ હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે જ્યારે પણ કેસની તારીખ આવે છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોવાનો અનુભવ થઈ રહ્યો છે.

ખેતરમાં નુકસાન પહોંચાડ્યાનો પણ આક્ષેપ

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે કોર્ટમાં હાજરી આપવાના એક દિવસ અગાઉ તેમના ધારોલી ગામ સ્થિત ખેતરમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ખેતીમાં ઉપયોગી પાઇપલાઇન સહિતની સંપત્તિને નુકસાન કરાયું હોવાનું તેમણે પોલીસને આપેલી અરજીમાં ઉલ્લેખ કર્યો છે.

સુણાવાનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓ પાછળ તેમને માનસિક રીતે દબાણમાં મૂકવાનો અને કેસમાંથી પીછેહઠ કરવા માટે મજબૂર કરવાનો પ્રયાસ હોઈ શકે છે. જોકે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ આ લડતમાંથી પાછળ હટવાના નથી.

આ પણ વાંચો: "...તો ભારતમાં હિન્દુ ઘટ્યાં ન હોત" : રાજકોટમાં બાબા બાગેશ્વરની હનુમંત કથા શરૂ, નિવેદન ચર્ચામાં

‘આ મારી વ્યક્તિગત નહીં, 18 હજાર ખેડૂતોની લડાઈ’

પુષ્પેન્દ્રસિંહ સુણાવાએ જણાવ્યું હતું કે તેઓ ગણેશ સુગર ફેક્ટરીના સભાસદ તરીકે આ કેસ લડી રહ્યા છે અને આ કોઈ વ્યક્તિગત વિવાદ નથી. તેમના જણાવ્યા અનુસાર, સંસ્થાના આશરે 18 હજાર સભાસદ ખેડૂતોના હિતો સાથે આ મુદ્દો જોડાયેલો છે.

તેમણે કહ્યું કે, “હું ખેડૂતો અને ગરીબ સભાસદોના હિત માટે લડી રહ્યો છું. કોઈ મને ડરાવવાનો કે ધમકાવવાનો પ્રયાસ કરે તો પણ હું પાછળ હટવાનો નથી. હું સત્યના માર્ગ પર ચાલું છું અને ખેડૂતોના હકો માટે મારી લડાઈ ચાલુ રાખીશ.”

પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાની પ્રતિક્રિયા નહીં

આ સમગ્ર મામલે સંસ્થાના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસના અગ્રણી નેતા સંદીપ માંગરોલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, તેમણે આક્ષેપો અંગે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

હાલ પોલીસ સમક્ષ આપવામાં આવેલી અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં અને આક્ષેપોમાં કેટલું તથ્ય સામે આવે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. હાલમાં પુષ્પેન્દ્રસિંહ સુણાવા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો છે અને સંબંધિત એજન્સીઓ દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

આ પણ વાંચો: જેના પર વિશ્વાસ મૂક્યો એ જ નીકળ્યો ઠગ! : ડેસરમાં ગ્રાહકોનું સોનું વેચી મારનાર સોની વેપારી ઝડપાયો

ખેડૂતોમાં ચર્ચાનો વિષય બન્યો મામલો

ગણેશ સુગર સહકારી સંસ્થા સાથે સેંકડો નહીં પરંતુ હજારો ખેડૂતો જોડાયેલા હોવાથી આ સમગ્ર મામલો ખેડૂતોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સંસ્થાના નાણાકીય વ્યવહારો અને તેના સંચાલનને લઈને અગાઉથી ઉઠેલા પ્રશ્નો વચ્ચે હવે ફરિયાદી દ્વારા કરાયેલા નવા આક્ષેપોએ કેસને વધુ ચર્ચાસ્પદ બનાવી દીધો છે.

પોલીસ તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ આ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા સામે આવવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now