અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વનવિસ્તારના સરસિયા રેન્જમાં પ્રેગ્નન્ટ સિંહણના મોતના મામલે વન વિભાગે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી છે. લુવારિયા વીડી વિસ્તારમાં સિંહણના મોત બાદ બેદરકારીના આક્ષેપો વચ્ચે સ્થાનિક સ્તરે જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે ફોરેસ્ટર ચેતન ઘેવરિયાની બદલી કરીને તેમને પાલીતાણા રેપિડ યુનિટમાં મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ કાર્યવાહી બાદ વન વિભાગમાં ચર્ચા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સિંહણના મોત પાછળની પરિસ્થિતિઓ અને પેટ્રોલિંગ વ્યવસ્થાની અસરકારકતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
તપાસના આદેશ બાદ કાર્યવાહી
મળતી વિગતો અનુસાર, જુનાગઢ સર્કલના મુખ્ય વન સંરક્ષક (CF) રામ રતન નાલા દ્વારા સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પ્રાથમિક સ્તરે કેટલીક બેદરકારી સામે આવી હોવાની ચર્ચા છે.
મળતી માહિતી મુજબ, સ્થાનિક ફોરેસ્ટર ધારીથી અપડાઉન કરતા હોવાના કારણે વિસ્તારમાં નિયમિત અને અસરકારક પેટ્રોલિંગમાં ખામી રહી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જોકે, તપાસ પૂર્ણ થયા વિના અંતિમ જવાબદારી અંગે કોઈ સત્તાવાર નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: "...તો ભારતમાં હિન્દુ ઘટ્યાં ન હોત" : રાજકોટમાં બાબા બાગેશ્વરની હનુમંત કથા શરૂ, નિવેદન ચર્ચામાં
ગામજનોએ કરી હતી જાણ
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક સિંહણ છેલ્લા બે દિવસથી બીમાર હાલતમાં એક જ વિસ્તારમાં પડી રહી હતી. ગામજનોએ સિંહણની સ્થિતિ અંગે જાણકારી આપ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. જો સિંહણ બે દિવસથી અસ્વસ્થ હતી તો વન વિભાગની પેટ્રોલિંગ ટીમો અથવા ફિલ્ડ સ્ટાફને તેની જાણ કેમ ન થઈ? સમયસર સારવાર અથવા બચાવ કામગીરી હાથ ધરાઈ હોત તો શું સિંહણને બચાવી શકાય તેમ હતું? આવા પ્રશ્નો હવે તપાસનો મહત્વનો ભાગ બન્યા છે.
અગાઉ પણ બની ચૂક્યા છે આવા બનાવ
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સરસિયા રાઉન્ડના લુવારિયા વીડી વિસ્તારમાં અગાઉ પણ વન્યપ્રાણીઓના બીમારી સંબંધિત મોતના બનાવો નોંધાયા હતા. આ કારણે વિસ્તારની મોનીટરીંગ વ્યવસ્થા અને ફિલ્ડ લેવલની કામગીરી અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
એટલું જ નહીં, આશરે એક વર્ષ અગાઉ આ જ વિસ્તારમાં માનવ મૃત્યુની ઘટના બની હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તે ઘટના બાદ પણ જરૂરી સુધારાત્મક પગલાં પૂરતા પ્રમાણમાં લેવામાં આવ્યા ન હતા.
આ પણ વાંચો: જેના પર વિશ્વાસ મૂક્યો એ જ નીકળ્યો ઠગ! : ડેસરમાં ગ્રાહકોનું સોનું વેચી મારનાર સોની વેપારી ઝડપાયો
તપાસ બાદ સ્પષ્ટ થશે જવાબદારી
પ્રેગ્નન્ટ સિંહણના મોતને વન્યજીવ સંરક્ષણના દૃષ્ટિકોણથી ગંભીર ઘટના માનવામાં આવી રહી છે. ગીર એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન હોવાથી દરેક સિંહ અને સિંહણનું સંરક્ષણ અત્યંત મહત્વનું ગણાય છે.
હાલ વન વિભાગ દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે. સિંહણના મોતનું ચોક્કસ કારણ, સમયસર માહિતી કેમ ન મળી અને તેમાં કોઈ વ્યક્તિગત અથવા વહીવટી બેદરકારી હતી કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય તપાસ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
વન વિભાગના અધિકારીઓ તરફથી હજુ સુધી તપાસ પૂર્ણ ન થતાં કોઈ વિગતવાર સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, ફોરેસ્ટરની બદલીને પ્રાથમિક વહીવટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.





