Home Gujarat Gandhinagar Range Ig Summoned Himmatnagars Cyber Crime Officer

ગાંધીનગર રેન્જ IG એ હિંમતનગરના સાયબર ક્રાઈમના અધિકારીને બોલાવ્યા! : ગોવા તપાસથી લઈને ક્રિકેટ સટ્ટા સંલગ્ન વિગતો મામલે કરી પૂછપરછ

ગાંધીનગર રેન્જ IG એ હિંમતનગરના સાયબર ક્રાઈમના અધિકારીને બોલાવ્યા!
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 10:35 AM IST

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સાયબર ક્રાઈમ શાખાની એક વિવાદાસ્પદ તપાસનો મામલો હાલ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આ સમગ્ર મામલે ગાંધીનગર રેન્જના આઈજી વિરેન્દ્ર યાદવે ગંભીર નોંધ લઈ હિંમતનગર સાયબર ક્રાઈમના જવાબદાર અધિકારીને ગાંધીનગર રેન્જ કચેરીએ બોલાવ્યા હતા અને સ્પષ્ટતા માગી હતી.

સટ્ટા સંલગ્ન મામલાને દબાવવાના પ્રયાસોનો આક્ષેપ

પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગર રેન્જ કચેરી દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ગોવામાં ચાલતી તપાસથી લઈને ક્રિકેટ સટ્ટા સાથે સંકળાયેલી અનેક મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. તપાસમાં ખુલ્યું છે કે સરકારી આવાસ યોજનાના લાભાર્થીઓને ક્રિકેટ સટ્ટાના બુકીઓ દ્વારા લલચાવી તેમની જાળમાં ફસાવવામાં આવતા હતા. આ લાભાર્થી વસાહતીઓના બેંક ખાતા ભાડે લઈ તેનો ઉપયોગ ક્રિકેટ સટ્ટા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો. આ સમગ્ર ક્રિકેટ સટ્ટા સંલગ્ન મામલાને દબાવવાના પ્રયાસોને લઈને પણ મોટો વિવાદ ઊભો થયો છે. ચર્ચા છે કે સાયબર ક્રાઈમ શાખા દ્વારા આરોપીઓની ધરપકડથી લઈ ફરિયાદ નોંધાવાની પ્રક્રિયા સુધીની મહત્વની વિગતો દબાવી રાખવામાં આવી હતી. જેના કારણે સમગ્ર તપાસની પારદર્શકતા પર સવાલ ઊભા થયા છે.

રેન્જ કચેરી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથધરી

રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ દ્વારા કરાયેલ કડક કાર્યવાહી બાદ આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની તસ્વીરો પણ બહાર આવી છે, જેનાથી અગાઉ દબાવવામાં આવેલા મુદ્દાઓ ફરી ચર્ચામાં આવ્યા છે. આ ઘટનાએ સાયબર ક્રાઈમ શાખાની કામગીરી અને જવાબદારી પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. હાલ ગાંધીનગર રેન્જ કચેરી દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ કેસ હવે રાજ્ય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now