Home Gujarat Gandhinagar Municipal Corporation Office Aggressively Opposes Congress

ગાંધીનગર મનપા કચેરીએ કોંગ્રેસનો આક્રમક વિરોધ : ટાઈફોઈડના કેસ વધતા દૂષિત પાણી ન માટલા ફોડ્યા, કહ્યું 'પ્રજાની સત્તાધીશો ને કોઈ ચિંતા નથી'

ગાંધીનગર મનપા કચેરીએ કોંગ્રેસનો આક્રમક વિરોધ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 06, 2026, 09:43 AM IST

Gandhinagar Congress protest : ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં સતત વધારો થતાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં મનપા કચેરી પહોંચ્યા હતા અને તંત્ર સામે હલ્લાબોલ કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે એક તરફ શહેરના લોકો દૂષિત પાણીના કારણે ટાઈફોઈડ જેવી ગંભીર બીમારીમાં પીડાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ મનપાના મેયર સહિતના કોર્પોરેટરો મેચ રમવા ગયા છે, જે શાસકોની બેદરકારી અને અસંવેદનશીલતાનું સ્પષ્ટ ઉદાહરણ છે.

મનપા કચેરીએ કોંગ્રેસએ નોંધાવ્યો વિરોધ

વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો દૂષિત પાણી ભરેલી બોટલો અને માટલા સાથે મનપા કચેરી પહોંચ્યા હતા. તેમણે મનપાના કમિશનરની કચેરીમાં દૂષિત પાણીના માટલા ફોડી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસનો આક્ષેપ છે કે ગાંધીનગરની પ્રજાના સ્વાસ્થ્ય અંગે સત્તાધીશો ને કોઈ ચિંતા નથી અને દૂષિત પાણીના પ્રશ્ને મનપા તંત્ર સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયું છે.

કેચેરી આગળ દૂષિત પાણીના માટલા ફોડ્યા

કોંગ્રેસ દ્વારા દૂષિત પાણીના મુદ્દે વકરતા ટાઈફોઈડના કેસોને લઈને મનપા સમક્ષ તીવ્ર રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે માંગ કરી હતી કે શહેરમાં વહેતા પાણીની ગુણવત્તાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ કોંગ્રેસે મનપાના કમિશનર પર પણ ગંભીર આક્ષેપ કર્યા હતા અને તેમને ભાજપના એજન્ટ તરીકે કાર્ય કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

તણાવપૂર્ણ માહોલ સર્જાયો

આ સમગ્ર ઘટનાને કારણે મનપા કચેરીમાં થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો છે, પરંતુ કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો દૂષિત પાણી અને ટાઈફોઈડના કેસોના મુદ્દે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now