Home International Former Vp Jagdeep Dhankhar Admitted To Aiims Health Update

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત લથડી : વોશરૂમમાં બે વખત બેભાન થયા બાદ દિલ્હી AIIMSમાં દાખલ

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત લથડી
Published by: OBS Bureau
Last Updated: Jan 12, 2026, 05:37 PM IST

દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત અચાનક બગડતા તેમને દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ૭૪ વર્ષીય ધનખડને ૧૦ જાન્યુઆરીના રોજ વોશરૂમમાં બે વખત બેહોશીના હુમલા આવ્યા હતા, જેના પગલે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તબીબોએ તેમની ગંભીરતા જોઈને તેમને દાખલ થવાની સલાહ આપી છે અને હાલ તેમનું MRI સહિતના વિવિધ ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અગાઉ પણ અનેકવાર બેહોશ થયાની ઘટનાઓ

જગદીપ ધનખડ અગાઉ પણ અનેક જાહેર કાર્યક્રમો દરમિયાન અસ્વસ્થ થયા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ઉત્તરાખંડ, કેરળ, દિલ્હી અને કચ્છના રણ પ્રદેશની મુલાકાત વખતે પણ તેમને બેહોશીનો સામનો કરવો પડ્યો હતો. સતત બગડતી તબિયતને કારણે તેમણે 21 જુલાઈ 2025ના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

રાજીનામા બાદ રાજકીય ચર્ચાઓ અને સુવિધાઓ

સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ તેમણે હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકીય ગલિયારાઓમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. વિપક્ષી નેતાઓ અને વિશ્લેષકોએ આ રાજીનામા પાછળ માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ અન્ય કારણો હોવાની પણ આશંકા વ્યક્ત કરી હતી. હાલમાં જ એવા સમાચાર પણ આવ્યા હતા કે રાજીનામાના પાંચ મહિના બાદ પણ તેમને સત્તાવાર સરકારી આવાસ પ્રાપ્ત થયું નથી, જે અંગે તેમણે સંબંધિત મંત્રાલયને પત્ર પણ લખ્યો છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમને દર મહિને ૨ લાખ રૂપિયાનું પેન્શન, ટાઈપ 8 બંગલો અને મેડિકલ સ્ટાફ સહિતની અનેક સુવિધાઓ મળવાપાત્ર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now