Former Railway Minister Mukul Roy: પશ્ચિમ બંગાળના રાજકારણના પ્રખ્યાત 'ચાણક્ય' તરીકે ઓળખાતા પૂર્વ રેલ્વે મંત્રી મુકુલ રોયનું 23 ફેબ્રુઆરી, 2026ના રોજ કોલકાતાની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 71 વર્ષના હતા. તેમનું અવસાન સવારે લગભગ 1:30 વાગ્યે હૃદયરોગના હુમલાથી થયું હોવાની પુષ્ટિ તેમના પુત્ર સુભ્રાંશુ રોય દ્વારા કરવામાં આવી છે.
મુકુલ રોય છેલ્લા ઘણા મહિનાઓથી ગંભીર બીમારીથી પીડાતા હતા અને તેઓ લાંબા સમયથી કોમામાં હતા. 2023ની શરૂઆતમાં ડોક્ટરોએ તેમને ડિમેન્શિયા અને પાર્કિન્સન રોગનું નિદાન કર્યું હતું, જેના કારણે તેમની યાદશક્તિ અને શારીરિક ક્ષમતાઓ પર ભારે અસર પડી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા.
ટીએમસીમાં મમતા બેનર્જી પછી નંબર-2નું સ્થાન
મુકુલ રોય તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સ્થાપક સભ્યોમાંના એક હતા અને લાંબા સમય સુધી મમતા બેનર્જી પછી પાર્ટીમાં નંબર-2 તરીકે ગણાતા હતા. તેઓ પાર્ટીના મુખ્ય રણનીતિકાર અને કટોકટી વ્યવસ્થાપક તરીકે જાણીતા હતા. ચૂંટણી વ્યૂહરચના ઘડવામાં, પાર્ટીને મજબૂત કરવામાં અને વિવિધ કટોકટીઓનો સામનો કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજકીય વર્તુળોમાં તેમના નિધનથી શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેઓએ પોતાના રાજકીય જીવનમાં ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા હતા (2017માં) અને પાછળથી 2021માં ફરી ટીએમસીમાં પરત ફર્યા હતા. આ નિર્મોહી નેતાના અવસાનથી પશ્ચિમ બંગાળના રાજકારણને મોટી ક્ષતિ પહોંચી છે.





















