સુપ્રીમ કોર્ટે સોમવારે આપેલ એક મહત્વપૂર્ણ કેસમાં હાઈકોર્ટના નિર્ણય ને માન્ય રાખ્યો હતો. 2021માં ભૂતપૂર્વ સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવાના આરોપસર કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ ખોડા પટેલ સહિત નવ લોકો સામેની એફઆઈઆર પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો. સીજેઆઈ બીઆર ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે સ્વર્ગસ્થ સાંસદના પુત્ર અભિનવ ડેલકરની 8 સપ્ટેમ્બર 2022ના બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલ ફગાવી દીધી હતી. જેમાં પટેલ સહિત નવ લોકો સામેનો કેસ રદ કરવામાં આવ્યો હતો.
કથિત 30 પાનાની સુસાઇડ નોટ
અભિનવ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મીનાક્ષી અરોરા, રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને કેટલાક આરોપીઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીની દલીલો સાંભળ્યા બાદ બેન્ચે 4 ઓગસ્ટના રોજ અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. દાદરા અને નગર હવેલીથી સાત વખત સાંસદ રહેલા ડેલકરના મૃત્યુ બાદ આ એફઆઈઆર નોંધવામાં આવી હતી. 2021માં મુંબઈની એક હોટલમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમની કથિત સુસાઇડ નોટમાં તેમને થયેલા ત્રાસ અને ધાકધમકીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું હતું, જેના પગલે ટોચના અમલદારો અને રાજકીય વ્યક્તિઓ સહિત અનેક લોકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, બેન્ચે વિચાર્યું કે શું રેકોર્ડ પરની સામગ્રી, જેમાં કથિત 30 પાનાની સુસાઇડ નોટનો સમાવેશ થાય છે, તે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ આરોપો સાબિત કરવા યોગ્ય છે કે નહીં.
સીજેઆઈ શું પૂછ્યું?
સીજેઆઈ ગવઈએ પૂછ્યું "શું વ્યક્તિ પાસે 30 પાનાની સુસાઇડ નોટ વિશે વિચારવાનો અને લખવાનો સમય હતો? શું આપણે કહી શકીએ કે તે (આત્મહત્યા) અચાનક થઈ હતી?" . તેમણે કહ્યું કે તણાવ અથવા ઉત્પીડન પ્રત્યે વ્યક્તિગત પ્રતિક્રિયાઓ અલગ અલગ હોઈ શકે છે. "એક સંવેદનશીલ વ્યક્તિ આત્મહત્યા કરી શકે છે, જ્યારે કઠોર હૃદયનો વ્યક્તિ ન કરી શકે".
અરોરાએ કહ્યું કે, ''ઘટના સમયે ડેલકરની માનસિક સ્થિતિ જાહેર અપમાનને કારણે થતી ઊંડા હતાશાની લાગણીથી પ્રેરિત હતી, તેઓ દુઃખી હતા કારણ કે તેમને લાગ્યું કે તેમની જાહેર છબી બરબાદ થઈ ગઈ છે" તેમણે કહ્યું કે, ''જુઓ તેમણે તેમની પત્ની અને બાળકોને શું લખ્યું છે... તેમનું કુટુંબનું નામ, દરજ્જો તેમના માટે ઘણું મહત્વ ધરાવે છે'' 8 સપ્ટેમ્બર, 2022 ના રોજ હાઇકોર્ટે "કાયદાના દુરુપયોગને રોકવા" માટે આરોપી સામેની એફઆઈઆર રદ કરવાને યોગ્ય કેસ માન્યો. તેણે એમ પણ કહ્યું હતું કે એફઆઈઆરની સામગ્રી અને ઘટનાનો સંદર્ભ એ બતાવવા માટે પૂરતો નથી કે આરોપીએ ડેલકરને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો''.
જાણો સમગ્ર કેસ
ડેલકરને 22 ફેબ્રુઆરી, 2021ના રોજ દક્ષિણ મુંબઈમાં મરીન ડ્રાઇવ ખાતે એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. માર્ચ 2021માં ડેલકરના પુત્ર અભિનવ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે મુંબઈ પોલીસે પટેલ અને અન્ય આઠ લોકો પર આત્મહત્યા માટે ઉશ્કેરણી અને ગુનાહિત ધાકધમકીનો કેસ દાખલ કર્યો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે સાંસદે આરોપીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિને કારણે આત્મહત્યા કરી હતી કારણ કે તેઓ તેમના દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ પર નિયંત્રણ મેળવવા અને તેમને ચૂંટણી લડતા અટકાવવા માંગતા હતા. આરોપીઓએ ગયા વર્ષે એફઆઈઆર રદ કરવા માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો, દલીલ કરી હતી કે તેમને કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે.






