Home Gujarat Former Cricketer Jacob Martins Troubles Increase In Drink And Drive Case

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસમાં પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની મુશ્કેલી વધી : લાયસન્સ રદ્દ કરવાની ભલામણ, બે અલગ અલગ ગુના નોંધાયા

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસમાં પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની મુશ્કેલી વધી
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 11:06 AM IST

વડોદરામાં પૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ જોસેફ માર્ટિન સામે થયેલી ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની કાર્યવાહી બાદ હવે તેમની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. શહેરના ઓપી રોડ પર પુનિત નગર નજીક નશાની હાલતમાં વાહન હંકારતાં તેમણે ત્રણ લોકોને તેમજ ત્રણ કારને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી હતી. આ ગંભીર બનાવને પગલે અકોટા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી તેમને ધરપકડ કરી હતી.

પોલીસે જેકોબ માર્ટિન સામે બે અલગ અલગ ગુનાઓ નોંધ્યા

મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ પોલીસે જેકોબ માર્ટિન સામે બે અલગ અલગ ગુનાઓ નોંધ્યા છે. પ્રથમ ગુનો દારૂના નશામાં વાહન ચલાવવાનો છે, જ્યારે બીજો ગુનો બેદરકારીપૂર્વક વાહન હંકારતાં અકસ્માત સર્જવાનો નોંધાયો છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસે તેમની એમજી હેક્ટર કાર કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે.

ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી

પોલીસ કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે વધુ એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. અકોટા પોલીસ દ્વારા જેકોબ માર્ટિનનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરવા માટે પ્રાદેશિક પરિવહન કચેરી (આરટીઓ)ને ભલામણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જો આરટીઓ દ્વારા આ ભલામણ સ્વીકારવામાં આવશે તો તેઓને ભવિષ્યમાં વાહન ચલાવવા માટે કાયદેસરની મંજૂરી મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.

આ બનાવે શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ જેવી ઘટનાઓ અંગે ફરી ચિંતા ઉભી કરી છે. ખાસ કરીને જાણીતા વ્યક્તિઓ દ્વારા આવા કૃત્યો થતાં સમાજમાં ખોટો સંદેશ જાય છે તેવી ચર્ચા પણ શરૂ થઈ છે. પોલીસે નાગરિકોને દારૂના નશામાં વાહન ન ચલાવવાની કડક ચેતવણી આપતાં જણાવ્યું છે કે આવા ગુનાઓ સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now