Home Gujarat Former Cricketer Creates Ruckus In Akota Vadodara Under The Influence Of Alcohol

વડોદરાના અકોટામાં પૂર્વ ક્રિકેટરે દારૂના નશામાં મચાવ્યો હાહાકાર : ત્રણ કારને મારી ટક્કર, પોલીસે બે અલગ અલગ ગુના નોંધ્યા

વડોદરાના અકોટામાં પૂર્વ ક્રિકેટરે દારૂના નશામાં મચાવ્યો હાહાકાર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2026, 11:40 AM IST

વડોદરાના અકોટા વિસ્તારમાં 26મી જાન્યુઆરીની મોડી રાત્રે એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી જેકોબ માર્ટિન દારૂના નશામાં પોતાની લક્ઝરી કાર બેફામ રીતે હંકારીને ત્રણ પાર્ક કરેલા વાહનોને અડફેટે લેતા શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રજાસત્તાક દિનની ઉજવણીની રાત્રે બનેલી આ ઘટના રમત જગત તેમજ શહેર માટે શરમજનક માનવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, 26 જાન્યુઆરી 2026ના રોજ મોડી રાત્રે આશરે 2:30 વાગ્યાની આસપાસ જેકોબ માર્ટિન પોતાની એમ.જી. હેક્ટર કાર લઈને અકોટા વિસ્તારમાં આવેલા પુનિત નગર સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા.

કાબૂ ગુમાવી બેઠા અને રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી ગાડીઓને મારી ટક્કર

દારૂના નશામાં હોવાના કારણે તેઓ વાહન પરનો કાબૂ ગુમાવી બેઠા અને રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી કિયા સેલ્ટોસ, હ્યુન્ડાઇ વેન્યુ અને મારૂતી સેલેરીઓ કારને એક પછી એક જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતનો ભયાનક અવાજ સાંભળીને સ્થાનિક રહેવાસીઓ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ 112 જન રક્ષક અને અકોટા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન જેકોબ માર્ટિનને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેઓ લથડિયાં ખાતા હતા અને તેમની આંખો લાલચોળ જણાતી હતી. પ્રાથમિક તપાસમાં જ તેઓ દારૂના નશામાં હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ માનવીય જાનહાનિ નોંધાઈ નહોતી, જોકે ત્રણેય વાહનોને ભારે નુકસાન થયું છે.

પોલીસે બે અલગ અલગ ગુનો નોંધ્યા

અકોટા પોલીસે મામલાને ગંભીરતાથી લઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ અકસ્માત અંગે બે અલગ-અલગ ગુના નોંધ્યા છે. પોલીસે BNS કલમ 281, 324(5), મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 185 તથા પ્રોહિબિશન એક્ટ 66(1)બી હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ જેકોબ માર્ટિનની રૂ. 20 લાખની લક્ઝરી કાર કબ્જે લેવામાં આવી છે. એક સમય એવો હતો જ્યારે જેકોબ માર્ટિન મેદાન પર પોતાના શાનદાર પ્રદર્શનથી દેશનું નામ રોશન કરતા હતા, પરંતુ આજે દારૂના નશામાં કાયદો તોડતા તેઓ કાયદાના શરણે પહોંચ્યા છે. આ ઘટના રમતવીરો માટે શિસ્ત અને જવાબદારીનું મહત્વ ફરી એકવાર ઉજાગર કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now