Home Gujarat Former Collector Suspended In Surendranagar Land Scam Case

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર સસ્પેન્ડ : સરકારી બંગલો કર્યો ખાલી, 7 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર સસ્પેન્ડ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2026, 06:28 AM IST

Surendranagar ED Case : સુરેન્દ્રનગરના તત્કાલિન કલેકટર ડો. રાજેન્દ્ર પટેલ સામે જમીન કૌભાંડના આરોપો સામે આવ્યા બાદ જિલ્લામાં ભારે હલચલ મચી ગઈ છે. ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા કરવામાં આવેલી રેડ બાદ ડો. રાજેન્દ્ર પટેલનું નામ સામે આવતાં તાત્કાલિક તેમની ધરપકડ કરવામાં આવી હતી. EDએ તેમના સરકારી આવાસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાંથી મહત્વપૂર્ણ ફાઇલો, દસ્તાવેજો તેમજ ઘરેણાં સહિતનો સામાન જપ્ત કર્યો હોવાની વાત સામે આવી છે.

ડો. રાજેન્દ્ર પટેલએ સરકારી બંગલો ખાલી કર્યો

જમીન કૌભાંડ મામલે તપાસ વધુ ગંભીર બનતાં કલેકટરને પાંચ દિવસના રીમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ તમામ ઘટનાક્રમ બાદ હવે તત્કાલિન કલેકટરનો સરકારી બંગલો ખાલી કરાવવામાં આવ્યો છે. સરકારી નિવાસસ્થાનમાંથી ટ્રક ભરીને તેમનો સમગ્ર ઘરવખરીનો સામાન બહાર કાઢવામાં આવ્યો હતો. સરકારી બંગલો ખાલી થવાના દ્રશ્યો જોવા લોકો એકત્ર થયા હતા અને સમગ્ર મામલો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાને લઈને પ્રશાસન અને રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે.

રાજેન્દ્રકુમાર પટેલ સસ્પેન્ડ

1500 કરોડના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલાએ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી છે. આ પહેલાં 2 જાન્યુઆરીની સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની તેમના સરકારી બંગલામાંથી જ ધરપકડ કરી હતી. ED દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે જમીન કૌભાંડ સાથે સંકળાયેલા આ કેસમાં 10 કરોડ રૂપિયાથી વધુની લાંચ લેવામાં આવી હોવાનો સંદેહ છે.

7 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર

ધરપકડ બાદ ED એ રાજેન્દ્ર પટેલને સાંજે અમદાવાદની કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જો કે કોર્ટ દ્વારા 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. જમીન કૌભાંડના આ કેસને લઈને તપાસ વધુ તેજ બની છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now