Raghavji Patel cyber crime complaint : જામનગરમાં પૂર્વ કૃષિમંત્રી તથા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એક ગંભીર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફેસબુક આઇ.ડી. Vishal Kansagara અને ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. v.kansagara77 ના અજાણ્યા ધારક દ્વારા સોશિયલ મીડિયા મારફતે પૂર્વ મંત્રીને બદનામ કરવાની સતત પ્રવૃત્તિ કરવામાં આવી હતી. આરોપીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાઘવજી પટેલના ફોટોગ્રાફ્સમાં એડિટિંગ કરી તેને વિકૃત બનાવ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અલગ-અલગ વીડિયો તૈયાર કરી, ફોટા અને વીડિયો સાથે ઉશ્કેરણીજનક લખાણ લખી અથવા બોલી ફરીયાદીની સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાનું જણાવાયું છે.
કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, 'આ પ્રકારની બદનક્ષી પાછળ કોઈ નાણાંકીય ફાયદો મેળવવાનો અથવા પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો દુરાશય હોઈ શકે છે. આ મામલે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા–2023ની કલમ 336(2), 336(4), 352, 356 તેમજ આઈ.ટી. એક્ટની કલમ 66(C) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં ફેસબુક આઇ.ડી. Vishal Kansagara તથા ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. v.kansagara77 ના ધારક અથવા વપરાશકર્તા તેમજ તપાસ દરમિયાન ખુલાસો થનારા અન્ય તમામ સંડોવાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે'.
'કોઈ રાજકીય વિરોધી દ્વારા રચાયેલ કાવતરું હોઈ શકે'
ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, સોશિયલ મીડિયામાં પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે સાથે જામનગરના સાંસદ પૂનમબેન તથા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની પણ છબી ખરાબ કરવાનો ઇરાદો રાખી આ પોસ્ટ્સ કરવામાં આવી હોવાનું જણાય છે. આ સમગ્ર મામલો કોઈ રાજકીય વિરોધી દ્વારા રચાયેલ કાવતરું હોઈ શકે તેવી શંકા પણ પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલે વ્યક્ત કરી છે, જેના આધારે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.





















