Home Gujarat Food Poisoning Incident In Kauka Village Of Dholka

ધોળકાના કૌકા ગામમાં ફૂડ પોઇઝનિંગની ઘટના : 40થી વધુ લોકોને અસર, આરોગ્ય વિભાગ થયું દોડતું

ધોળકાના કૌકા ગામમાં ફૂડ પોઇઝનિંગની ઘટના
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 01:06 PM IST

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કૌકા ગામમાં ફૂડ પોઇઝનિંગનો ગંભીર બનાવ સામે આવ્યો હતો, જેમાં 40થી વધુ લોકો અસરગ્રસ્ત થતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ તાત્કાલિક દોડતું થયું હતું અને ઝડપી કામગીરી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

40 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર

પ્રાપ્ત માહિતી મુજબ, શુક્રવારના રોજ સાંજે આશરે 6 વાગ્યે કૌકા ગામમાં દાઊદી વ્હોરા સમુદાયના એક લગ્ન પ્રસંગ દરમિયાન મોઢું મીઠું કરવાની રસમ બાદ મીઠાઈનું સેવન કરવામાં આવ્યું હતું. મીઠાઈ ખાધા બાદ થોડા સમયગાળામાં જ આશરે 40 જેટલા લોકોને ઉલટી, પેટદર્દ અને અસ્વસ્થતા જેવી ફૂડ પોઇઝનિંગની લક્ષણો દેખાવા લાગ્યા, જેથી સમગ્ર ગામમાં દોડધામ મચી ગઈ હતી.

પાંચ જેટલી 108 એમ્બયુલેન્સો કૌકા ગામે દોડી ગઈ હતી

ફૂડ પોઇઝનિંગના બનાવની જાણ થતાં ધોળકા, વટામણ સહિત આસપાસના વિસ્તારોમાંથી પાંચ જેટલી 108 એમ્બયુલેન્સો કૌકા ગામે દોડી ગઈ હતી. સાથે જ આરોગ્ય વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લઈને નજીકનાં આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તાત્કાલિક કૌકા ગામે મોકલ્યો હતો. અસરગ્રસ્ત દર્દીઓને કૌકા ગામની હાઈસ્કૂલમાં લાવવામાં આવ્યા, જ્યાં આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી અને ઉમદા કામગીરી બજાવવામાં આવી હતી.

આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો

રાત્રે આશરે 10 વાગ્યે પાંચ જેટલા દર્દીઓની તબિયત વધુ બગડતાં, તેમને આરોગ્ય વિભાગની એમ્બયુલેન્સ મારફત ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા. ત્યાં મેડિકલ ઓફિસરો અને આરોગ્ય કર્મચારીઓએ તાત્કાલિક સારવાર આપી દર્દીઓની સ્થિતિ સ્થિર કરી હતી. મોડી રાત્રે ફૂડ પોઇઝનિંગની સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં આવતા ગ્રામજનો અને આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. આરોગ્ય વિભાગની સમયસર અને અસરકારક કામગીરીના કારણે કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now