ગુજરાતના પ્રખ્યાત વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોકકલાના પ્રચારક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું અવસાન થયું છે. લોકસંસ્કૃતિ, લોકકલા અને લોકસાહિત્ય ક્ષેત્રે તેમનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે. ગુજરાતના ગામડાંઓની સંસ્કૃતિ, લોકજીવન, લોકગીતો, કથાઓ અને પરંપરાઓને તેમણે પોતાના લેખન અને સંશોધન દ્વારા જિવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે લોકસાહિત્ય અને લોકકલા પર આધારિત લગભગ 90 જેટલી કૃતિઓનું સંપાદન અને રચના કરી હતી, જે તેમની ઊંડી સમજ અને સંવેદનાને દર્શાવે છે.
પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત
જોરાવરસિંહ જાદવ રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ તરીકે પણ કાર્યરત રહ્યા હતા અને લોકકલા તથા નાટ્યક્ષેત્રે નવું વિચિત્ર દિશામાં યોગદાન આપ્યું હતું. તેમની સેવાઓ અને લોકસંસ્કૃતિ માટેના અદમ્ય સમર્પણને માન આપતા ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા
લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ જગત શોકતૂર
તેમના અવસાનથી ગુજરાતના લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ જગતમાં એક મોટી ખોટ ઊભી થઈ છે. લોકજીવનના ભાવો અને પરંપરાઓને શબ્દો અને સંશોધન દ્વારા જાળવી રાખનાર જોરાવરસિંહ જાદવની યાદ હંમેશાં ગુજરાતી સાહિત્ય અને લોકકલા પ્રેમીઓના હૃદયમાં જીવંત રહેશે.






