Home Gujarat Flight Makes Emergency Landing At Ahmedabad Airport

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ : કુવૈતથી દિલ્હી જઈ રહી હતી ફ્લાઈટ, બૉમ્બની ધમકીના પગલે 180 પેસેન્જરનું ચેકિંગ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2026, 07:43 AM IST

અમદાવાદ એરપોર્ટ પર આજે ઈન્ડિગો એરલાઈન્સની એક ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, જેના કારણે એરપોર્ટ પર થોડા સમય માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી. કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સતર્ક થઈ ગઈ હતી. ફ્લાઈટમાં ટિશ્યુ પેપર પર ‘હાઈજેક’ અને ‘બોમ્બથી ઉડાવી દેવાની’ ધમકી લખેલી ચિઠ્ઠી મળી આવતાં તરત જ તમામ સુરક્ષા પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યા હતા.

એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ

ધમકીની ગંભીરતા જોતા ફ્લાઈટને સુરક્ષિત રીતે અમદાવાદ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પ્લેનમાં સવાર તમામ 180 પેસેન્જરોને સલામત રીતે બહાર કાઢી તેમની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી. એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) દ્વારા વિમાનનું વિગતવાર ચેકિંગ કરવામાં આવ્યું હતું.

પ્લેનની ચેકિંગ પ્રક્રિયા પૂર્ણ

એરપોર્ટ પોલીસ સ્ટેશનના PI એન.ડી. નકુમે જણાવ્યું હતું કે ધમકી મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી અને વિમાનનું સંપૂર્ણ રીતે સર્ચ કરવામાં આવ્યું હતું. જોકે તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે પ્લેનની ચેકિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હાલ સુરક્ષા પ્રોટોકોલ મુજબ આગળની તપાસ ચાલુ છે. આ ઘટનાના પગલે થોડા સમય માટે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક બનાવવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now