Home Sports Flashback 2025 The Golden Era Of Indian Cricket Know These 10 Historical Moments

Flashback 2025; ભારતીય ક્રિકેટનો સુવર્ણકાળ! : ચેમ્પિયન્સ ટ્રોફીથી લઈને RCB ની જીત સુધી, જાણો એવી 10 ઐતિહાસિક ક્ષણો

Flashback 2025; ભારતીય ક્રિકેટનો સુવર્ણકાળ!
Published by: OBS Bureau
Last Updated: Dec 27, 2025, 01:39 PM IST

The year 2025 was special for cricket lovers: વર્ષ 2025 ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે. આ વર્ષે માત્ર મેદાન પર રનનો વરસાદ જ નથી થયો, પરંતુ વર્ષોથી જોવાતા સપનાઓ પણ સાકાર થયા છે. પુરૂષ ટીમની ઇન્ટરનેશનલ સફળતા, મહિલા ટીમનો વર્લ્ડ કપમાં વિજય અને IPL માં વિરાટ કોહલીનો વર્ષો જૂનો ઇન્તજાર. આ બધું જ આ એક વર્ષમાં જોવા મળ્યું. જાણો આ વર્ષની 10 સૌથી મહત્વની અને રોમાંચક ક્ષણો વિશે.

ટીમ ઈન્ડિયાનો ઇન્ટરનેશનલ મેચોમાં દબદબો

ભારતીય ક્રિકેટ ચાહકો માટે 2025 ની શરૂઆત ખૂબ જ ધમાકેદાર રહી. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પર્ફોમન્સ આપીને 2013 પછી કોઈ ICC વન-ડે ટ્રોફી જીતી. ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટે મળેલી જીત ઐતિહાસિક હતી. કેપ્ટન રોહિત શર્માએ 76 રનની ઇનિંગ રમીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો અને ભારતને ફરી એકવાર 'ચેમ્પિયન્સ' બનાવ્યું.

સાઉથ આફ્રિકા પ્રથમવાર WTC ચેમ્પિયન

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલમાં આ વખતે ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ તૂટ્યું હતું. 11 થી 14 જૂનની વચ્ચે રમાયેલી ફાઈનલમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ બતાવ્યું. આ જીતના હીરો એડન માર્કરામ રહ્યા, જેમણે બીજી ઇનિંગમાં 136 રનની શાનદાર સેન્ચુરી ફટકારી હતી. સાઉથ આફ્રિકા માટે આ ટાઇટલ તેમના ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી સિદ્ધિ સાબિત થઈ.

વૈભવ સૂર્યવંશી

IPL 2025 માં એક એવો રેકોર્ડ બન્યો જેને આખા વિશ્વને ચોંકાવી દીધું. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ 28 એપ્રિલે ગુજરાત સામે માત્ર 35 બોલમાં સેન્ચુરી ફટકારી. આ કોઈ ભારતીય દ્વારા IPL માં ફટકારાયેલી સૌથી ઝડપી સેન્ચુરી છે. માત્ર 14 વર્ષની ઉંમરે આવી સિદ્ધિ મેળવીને વૈભવ સૂર્યવંશી T20 ફોર્મેટમાં સેન્ચુરી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે.

RCB અને વિરાટ કોહલીનો 18 વર્ષનો ઇન્તજાર સમાપ્ત

"Ee Sala Cup Namdu" (આ વર્ષે કપ અમારો છે) - RCB ના ફેન્સનો આ મંત્ર આખરે 2025 માં સાચો પડ્યો. 3 જૂનના રોજ રમાયેલી IPL ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને રોમાંચક મુકાબલામાં 6 રને હરાવીને તેમનું પ્રથમ IPL ટાઇટલ જીત્યું. વિરાટ કોહલી માટે આ જીત ભાવુક ક્ષણ હતી, કારણ કે 18 વર્ષની મહેનત બાદ તે ટ્રોફી ઉઠાવવામાં સફળ રહ્યો હતો.

એશિયા કપમાં ભારત-પાક મેચ અને 'નો હેન્ડશેક' વિવાદ

ક્રિકેટમાં ઘણીવાર રમત ભાવના પર વિવાદો હાવી થઈ જાય છે. 2025 ના એશિયા કપ દરમિયાન ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરીને એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ ટ્રેન્ડની શરૂઆત સૂર્યકુમાર યાદવે સલમાન અલી આગા સામે કરી હતી. આ વિવાદે સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા જગાવી હતી, છતાં ભારતે મેદાન પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું.

ભારતે પાકિસ્તાનને હરાવી એશિયા કપ જીત્યો

માત્ર મેદાનની બહારના વિવાદો જ નહીં, પણ મેદાનની અંદરના પ્રદર્શનમાં પણ ભારત શ્રેષ્ઠ રહ્યું. 28 સપ્ટેમ્બરના રોજ એશિયા કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હતી. યુવા ખેલાડી તિલક વર્માએ આ પ્રેશરવાળી મેચમાં 69 રનની નોટઆઉટ ઇનિંગ રમીને ભારતને એશિયા કપનો ખિતાબ અપાવ્યો હતો. તિલકની આ ઇનિંગે સાબિત કર્યું કે, ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે.

મહિલા ટીમ બની વર્લ્ડ ચેમ્પિયન

2025 નું વર્ષ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે સૌથી યાદગાર રહ્યું. અગાઉ 2 વાર ફાઈનલમાં પહોંચવા છતાં ટીમ ટાઇટલથી વંચિત રહી હતી, પરંતુ 2 નવેમ્બરના રોજ ઇતિહાસ બદલાયો. ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય મહિલા ટીમે તેમનો પ્રથમ વર્લ્ડ કપ જીત્યો. આ જીતે ભારતમાં મહિલા ક્રિકેટને એક નવી ઊંચાઈ અને નવી ઓળખ અપાવી છે.

સાઉથ આફ્રિકા સામે 'વ્હાઇટવોશ'

દરેક સફળતા વચ્ચે 2025 માં ભારત માટે એક નિરાશાજનક ક્ષણ પણ આવી. ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો કિલ્લો ગણાતા ભારતીય મેદાનો પર સાઉથ આફ્રિકાએ 2-0 થી સિરીઝ જીતીને ભારતનો વ્હાઇટવોશ કર્યો. 25 વર્ષમાં પહેલીવાર કોઈ ટીમે ભારતને ઘરઆંગણે આ રીતે હરાવ્યું હતું. પ્રથમ ટેસ્ટમાં માત્ર 124 રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહેતા ભારતની બેટિંગ ખરાબ રહી.

ડોમેસ્ટિક ક્રિકેટમાં દિગ્ગજોનું પુનરાગમન

24 ડિસેમ્બરે ભારતીય ક્રિકેટ ચાહકોને એક મોટું સરપ્રાઈઝ મળ્યું. વિરાટ કોહલી (2010 પછી) અને રોહિત શર્મા (2017 પછી) લાંબા સમય પછી વિજય હજારે ટ્રોફીમાં પોતાની રાજ્યની ટીમ વતી રમતા જોવા મળ્યા. ઇન્ટરનેશનલ ક્રિકેટના આ દિગ્ગજોને ડોમેસ્ટિક મેદાન પર રમતા જોવા તે યુવા ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે એક યાદગાર ક્ષણ હતી.

એશિઝ અને ઓસ્ટ્રેલિયામાં ઈંગ્લેન્ડનો 15 વર્ષનો ઇન્તજાર પૂર્ણ

ઓસ્ટ્રેલિયામાં ઈંગ્લેન્ડ માટે જીત મેળવવી હંમેશા મુશ્કેલ રહી છે. પરંતુ મેલબોર્નમાં રમાયેલી બોક્સિંગ-ડે ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ઈતિહાસ રચ્યો. માત્ર 2 દિવસમાં સમાપ્ત થયેલી આ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું. 15 વર્ષના લાંબા ગાળા પછી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચમાં મળેલો આ વિજય ઈંગ્લેન્ડ માટે વર્ષનો સૌથી મોટો રહ્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now