પાકિસ્તાનમાં બાંગ્લાદેશના હાઈ કમિશનરે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા સીધી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. એક્સપ્રેસ ટ્રિબ્યુનના સમાચાર અનુસાર, મોહમ્મદ ઈકબાલ હુસૈને શનિવારે પેશાવરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી. હુસૈને બંને દેશો વચ્ચેના સંબંધો પર ભાર મૂક્યો હતો અને સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ નિર્ણયથી પ્રવાસન, શિક્ષણ અને વેપાર સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધશે. બાંગ્લાદેશમાં શેખ હસીનાને પ્રધાનમંત્રી પદ પરથી હટાવ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે. તાજેતરમાં, બાંગ્લાદેશના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને રક્ષા ક્ષેત્રે સહયોગ અંગે સૈન્ય અધિકારીઓ સાથે અલગ-અલગ બેઠકો કરી હતી.
રક્ષા ક્ષેત્રમાં સહયોગની જાહેરાત
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હુસૈને એ પણ ખુલાસો કર્યો કે બાંગ્લાદેશ પણ પાકિસ્તાન સાથે સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગને સાથ સહકાર આપશે.
બાંગ્લાદેશ-પાકિસ્તાનના સંબંધોમાં મોટો ફેરફાર
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંબંધોમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. શેખ હસીનાને હંમેશા ભારતની નજીક માનવામાં આવતી હતી, પરંતુ સત્તા પરિવર્તન બાદ બાંગ્લાદેશની નવી સરકારનો ઝુકાવ પાકિસ્તાન તરફ વધુ જોવા મળી રહ્યો છે. આ સાથે, બંને દેશોએ સંયુક્ત નેવી યુદ્ધાભ્યાસ અને હથિયારોની ખરીદીની ડીલ પર પણ કામ કર્યું છે, જે આ દેશો વચ્ચેના સહયોગને વધુ વધારશે.





