Home Gujarat Fire Breaks Out In Amts Bus Near Sola Bhagwat Intersection In Ahmedabad

અમદાવાદમાં સોલા ભાગવત ચાર રસ્તા નજીક AMTS બસમાં લાગી આગ : વાહનોની નિયમિત તપાસ અને સુરક્ષા અંગે ઉભા થયા સવાલો

અમદાવાદમાં સોલા ભાગવત ચાર રસ્તા નજીક AMTS બસમાં લાગી આગ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 06:57 AM IST

અમદાવાદના એસજી હાઇવે પર સોલા ભાગવત ચાર રસ્તા નજીક આજે AMTS બસમાં અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. AMTS રૂટ નંબર 501ની આ બસ અડાલજ ત્રિમંદિરથી સરખેજ ઉજાલા તરફ જઈ રહી હતી. સોલા ભાગવત ચાર રસ્તા પાસે બસની આગળની બાજુ ડ્રાઈવર કેબિનમાં આવેલા એન્જિન બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા, જે બાદ ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી તરત જ બસને સાઈડમાં ઊભી કરી દીધી હતી.

AMTS બસમાં આગ લાગી

આગ લાગતા જ ડ્રાઈવરે બસમાં સવાર તમામ મુસાફરોને તાત્કાલિક પાછળના દરવાજેથી નીચે ઉતરી જવા સૂચના આપી હતી. ડ્રાઈવરની સમજદારીના કારણે બસમાં બેઠેલા તમામ મુસાફરો સલામત રીતે પાછળના દરવાજેથી બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન કંડક્ટરે તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.

ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ

ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસના એન્જિન ભાગમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, ઘટનાના કારણે એસજી હાઇવે પર થોડો સમય ટ્રાફિક અસરગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટનાએ ફરી એક વખત જાહેર પરિવહન વાહનોની નિયમિત તપાસ અને સુરક્ષાની જરૂરિયાત ઉપર પ્રશ્ન ઊભા કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now