Home Gujarat Fierce Protests In Vadodara Too Main Demand Is Five Day Workday

બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ : વડોદરામાં પણ ઉગ્ર વિરોધ, પાંચ દિવસીય કામકાજની મુખ્ય માંગ

બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2026, 11:45 AM IST

યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન (યુએફબીઈયુ)ના આહ્વાન પર બેંક કર્મચારીઓએ લાંબા સમયથી પડતર રહેલી પાંચ દિવસીય કામકાજની માંગને લઈને 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળનું આયોજન કર્યું હતું. આ હડતાળમાં દેશભરની તમામ સરકારી બેંકોના કર્મચારીઓ જોડાયા હતા. તેની અસર વડોદરા શહેરમાં પણ જોવા મળી હતી, જ્યાં આરાધના સિનેમા સામે આવેલા સલાટવાળા ચાર રસ્તા પાસે બેંક ઓફ બરોડાની શાખા બહાર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

બેંક કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો

યુએફબીઈયુની મુખ્ય માંગ છે કે બેંકોમાં અઠવાડિયામાં પાંચ દિવસ કામ અને બે દિવસ રજા આપવાની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે. યુનિયનના નેતાઓએ જણાવ્યું હતું કે માર્ચ 2024માં ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન સાથે થયેલી વેતન સંશોધન સંધિમાં તમામ શનિવારે રજા આપવાની સહમતિ થઈ હતી, પરંતુ તે આજદિન સુધી અમલમાં આવી નથી. આ વિલંબથી નારાજ થઈ બેંક કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે.

પાંચ દિવસીય કામકાજની વ્યવસ્થા લાગુ કરવામાં આવે તેવી માંગ

યુનિયનનું સ્પષ્ટ કહેવું છે કે, પાંચ દિવસીય કામકાજની વ્યવસ્થા લાગુ કરવામાં આવે તો કામના કુલ કલાકોમાં કોઈ ઘટાડો થવાનો નથી. કર્મચારીઓ સોમવારથી શુક્રવાર સુધી રોજ અંદાજે 40 મિનિટ વધુ કામ કરવા તૈયાર છે, જેથી અઠવાડિયાના કુલ કાર્યસમયમાં કોઈ ફરક ન પડે. આ બાબતે પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યો હોવા છતાં છેલ્લા બે વર્ષથી કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી, જેનાથી કર્મચારીઓમાં ભારે અસંતોષ છે. આ હડતાળમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઈન્ડિયા, કેનેરા બેન્ક, ઇન્ડિયન બેન્ક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ઇન્ડિયન ઓવરસિઝ બેન્ક, યૂકો બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેન્ક સહિત તમામ જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓ જોડાયા હતા.

વડોદરા શહેરમાં યુ.એસ.બી.યુ.ના કન્વીનર ડી.એલ. વ્યાસની આગેવાની હેઠળ બેંક કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કરી સરકાર સામે પોતાની માંગ મજબૂત રીતે રજૂ કરી હતી. સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જો ટૂંક સમયમાં માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now