સુપરકાર બનાવતી દુનિયાની પ્રખ્યાત કંપની ફેરારીએ ઇટાલીના રોમ શહેરમાં પોતાની પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક કાર લૂસ (Ferrari Luce) પરથી સત્તાવાર રીતે પડદો હટાવી દીધો છે. EV સેગમેન્ટમાં આ કંપનીનું પ્રથમ આક્રમક પગલું છે. જોકે, કંપની પોતાની પરંપરાગત પેટ્રોલ અને હાઇબ્રિડ કારનું વેચાણ પણ ચાલુ રાખશે. Ferrari Luce માત્ર કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર જ નથી, પરંતુ 4 દરવાજા અને 5 સીટિંગ કેપેસિટી ધરાવતી પ્રથમ ગાડી પણ છે. સિંગલ ચાર્જમાં આ કાર 530 કિલોમીટર સુધીની લાંબી સફર ખેડી શકશે. આ મોડલને કોઈ જૂના પેટ્રોલ પ્લેટફોર્મ પર નહીં પરંતુ સંપૂર્ણપણે નવા ઇલેક્ટ્રિક આર્કિટેક્ચર પર તૈયાર કરવામાં આવ્યું છે, જેના લીધે કારની અંદર ખૂબ જ પ્રીમિયમ સ્પેસ અને લક્ઝરી લુક મળે છે.
4 મોટર અને 1,050 હોર્સપાવર સાથે રોકેટ જેવી સ્પીડ
પાવર અને પરફોર્મન્સની બાબતમાં કંપનીએ કોઈ બાંધછોડ કરી નથી:
પાવરહાઉસ: આ સુપરકારમાં 4 ઇલેક્ટ્રિક મોટર ફિટ કરવામાં આવી છે, એટલે કે દરેક વ્હીલ માટે એક સ્વતંત્ર મોટર કામ કરે છે. આ તમામ મોટર્સ ભેગી થઈને 1,050 hp નો જબરદસ્ત પાવર જનરેટ કરે છે.
પિકઅપ: ઝડપના મામલામાં આ કાર રોકેટને ટક્કર આપે છે. માત્ર 2.5 સેકન્ડમાં આ ગાડી 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. જ્યારે 0 થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મેળવવામાં તેને માત્ર 6.8 સેકન્ડનો સમય લાગે છે.
ટોપ સ્પીડ અને બેલેન્સિંગ ટેકનોલોજી
આ ઇલેક્ટ્રિક કારની મહત્તમ ઝડપ 310 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે છે. ચારેય વ્હીલ્સમાં અલગ મોટર હોવાના લીધે કારનું આધુનિક કમ્પ્યુટર સિસ્ટમ દરેક ટાયરને જરૂરિયાત મુજબ પાવર સપ્લાય કરે છે. પરિણામે શાર્પ ટર્ન પર અથવા અતિશય સ્પીડમાં પણ રોડ પર ગાડીનું સંતુલન અને ગ્રીપ ઉત્તમ રહે છે.
122 kWh નું મોટું બેટરી પેક અને સુપર ફાસ્ટ ચાર્જિંગ
રેન્જ: ફેરારીએ આ કારની બેટરીનું ડિઝાઈનિંગ અને ટેસ્ટિંગ પોતાના હેડક્વાર્ટર Maranello માં જાતે કર્યું છે. તેમાં 122 kWh ની હાઇ કેપેસિટી બેટરી આપવામાં આવી છે, જે ફુલ ચાર્જ થવા પર 530 કિલોમીટરથી વધુની રેન્જ આપે છે.
ચાર્જિંગ સ્પીડ: આ વ્હીકલ 350 kW સુધીના સુપર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જેનાથી માત્ર 20 મિનિટમાં બેટરીને 70 kWh સુધી ચાર્જ કરી શકાય છે.
કૂલિંગ સિસ્ટમ: રેસિંગ ટ્રેકને ધ્યાનમાં રાખીને તેમાં એડવાન્સ કૂલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે, જે સતત હાઈ સ્પીડ ડ્રાઈવિંગ છતાં બેટરીને ગરમ થવા દેતી નથી.
એન્જિન વગર પણ અનુભવાશે અસલી અવાજ
સામાન્ય રીતે ઇલેક્ટ્રિક વાહનો સાયલન્ટ હોય છે, પરંતુ ડ્રાઇવિંગનો રોમાંચ જાળવી રાખવા માટે ફેરારીએ એક અનોખી સાઉન્ડ સિસ્ટમ બનાવી છે. આમાં કોઈ આર્ટિફિશિયલ સાઉન્ડ પ્લે થતો નથી. તેના બદલે ઇલેક્ટ્રિક મોટર અને ગિયરબોક્સમાંથી ઉત્પન્ન થતા કુદરતી વાઇબ્રેશન અને નેચરલ ફ્રીક્વન્સીને જ એમ્પ્લીફાય કરીને કેબિન સુધી પહોંચાડવામાં આવે છે. તમે જેમ એક્સિલરેટર દબાવશો તેમ અવાજ આપોઆપ બદલાશે.
ફ્યુચરિસ્ટિક લુક અને હાઇટેક ઇન્ટિરિયર
આ કારની ડિઝાઇન અત્યાર સુધીની તમામ ફેરારી કાર કરતાં એકદમ અલગ છે. આ લુક તૈયાર કરવા માટે Apple કંપનીના પૂર્વ ચીફ ડિઝાઇનર સર જોની ઇવ (Sir Jony Ive) ની ક્રિએટિવ ટીમ LoveFrom એ ફેરારી સાથે હાથ મિલાવ્યા છે.
એક્સટેરિયર: કારની છત આખી ગ્લાસની બનેલી છે અને તેમાં આગળ 23 ઇંચ તેમજ પાછળ 24 ઇંચના વ્હીલ્સ આપવામાં આવ્યા છે, જે ફેરારીના ઇતિહાસમાં સૌથી મોટા છે. વિન્ડ રેઝિસ્ટન્સ ઘટાડવા માટે એક્ટિવ ગ્રિલ્સ છે, જે હાઈ સ્પીડ પર કારના આગળના ભાગને આપોઆપ નમાવી દે છે.
ઇન્ટિરિયર: કારની અંદર SAMSUNG ડિસ્પ્લે દ્વારા કસ્ટમાઇઝ્ડ કરાયેલી OLED સ્ક્રીન્સ લગાવવામાં આવી છે. જોકે ડ્રાઇવિંગ વખતે સરળતા રહે તે માટે મુખ્ય ફીચર્સ માટે ટચસ્ક્રીનના બદલે ફિઝિકલ બટનો જ રાખવામાં આવ્યા છે. મનોરંજન માટે 21 સ્પીકર્સની સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ અને મોટી બૂટ સ્પેસ પણ ઉપલબ્ધ છે.





