એક સમય હતો જ્યારે કીપેડ ફોન દરેકના જીવનનો ભાગ હતો. પછી સ્માર્ટફોન આવ્યા અને દુનિયા જ બદલાઈ ગઈ. બેન્કિંગથી લઈને મનોરંજન અને ઓફિસ કામ સુધી બધું મોબાઇલમાં આવી ગયું. પરંતુ હવે સ્થિતિ એવી બની રહી છે કે સતત સ્ક્રીન સામે જીવતા લોકો ફરીથી “સાદા ફોન” તરફ પાછા ફરી રહ્યા છે. સોશિયલ મીડિયા, નોટિફિકેશન અને ડિજિટલ થાક વચ્ચે હવે Feature Phone ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
આજકાલ ઘણા લોકો સ્માર્ટફોનને સંપૂર્ણ રીતે છોડતા નથી, પરંતુ Feature Phoneને સેકન્ડરી ડિવાઇસ તરીકે ઉપયોગમાં લેવા લાગ્યા છે. ખાસ કરીને યુવાનોમાં “Digital Detox”નો ટ્રેન્ડ વધતા કીપેડ ફોન ફરી લોકપ્રિય બનતા જોવા મળી રહ્યા છે.
સ્માર્ટફોનની સુવિધા હવે બની રહી છે માનસિક ભાર
સ્માર્ટફોનને શરૂઆતમાં જીવન સરળ બનાવવા માટે બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે ઘણા લોકો માટે તે સતત ડિસ્ટ્રેક્શનનું કારણ બની રહ્યા છે. સવારે ઉઠતા જ મોબાઇલ ચેક કરવાની આદતથી લઈને રાત્રે ઊંઘતા પહેલા સુધી લોકો સ્ક્રીન સાથે જોડાયેલા રહે છે. સોશિયલ મીડિયા એપ્સ, ઓફિસ મેસેજ, વીડિયો પ્લેટફોર્મ અને સતત આવતી નોટિફિકેશન્સના કારણે લોકોનું ધ્યાન ભંગ થતું રહે છે. ઘણી સ્ટડીઝમાં સામે આવ્યું છે કે લોકો દરરોજ સરેરાશ 5થી 7 કલાક ફોન પર પસાર કરી રહ્યા છે. તેનો સીધો પ્રભાવ માનસિક શાંતિ, ઊંઘ અને પ્રોડક્ટિવિટી પર પડી રહ્યો છે. આ કારણસર હવે ઘણા લોકો “Minimal Tech Lifestyle” તરફ વળી રહ્યા છે. એટલે કે ટેક્નોલોજીનો ઉપયોગ તો કરવો, પરંતુ એટલો જ જેટલો જરૂરી હોય.
Feature Phone ફરી કેમ બન્યા “કૂલ”?
એક સમય હતો જ્યારે Feature Phoneને જૂની ટેક્નોલોજી માનવામાં આવતી હતી, પરંતુ હવે તે ફરી ટ્રેન્ડમાં આવી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં હવે “સિમ્પલ લાઇફ” અને “ઓછું ડિજિટલ દબાણ” જેવી વિચારસરણી વધી રહી છે.
ઘણા લોકો હવે ખાસ કરીને:
કામ દરમિયાન ફોકસ જાળવવા
સોશિયલ મીડિયા થી બ્રેક લેવા
સ્ક્રીન ટાઈમ ઘટાડવા
માનસિક શાંતિ મેળવવા માટે Feature Phoneનો ઉપયોગ કરી રહ્યા છે.
આ ટ્રેન્ડ માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો તો વીકએન્ડ દરમિયાન સ્માર્ટફોન બંધ રાખીને માત્ર કીપેડ ફોન જ વાપરે છે.
Feature Phoneના મોટા ફાયદા શું છે?
Feature Phoneની સૌથી મોટી ખાસિયત તેની સાદગી છે. તેમાં માત્ર જરૂરી ફીચર્સ હોય છે, જેના કારણે લોકો સતત ઓનલાઇન રહેવાના દબાણથી દૂર રહી શકે છે.
સૌથી મોટો ફાયદો છે ઓછી ડિસ્ટ્રેક્શન. સ્માર્ટફોનમાં Instagram, YouTube, Facebook અને ગેમિંગ એપ્સ જેવી બાબતો સતત ધ્યાન ખેંચતી રહે છે. જ્યારે Feature Phoneમાં મુખ્યત્વે કોલિંગ અને મેસેજિંગ જ હોય છે. બીજો મોટો ફાયદો છે બેટરી લાઇફ. આજના સ્માર્ટફોનને રોજ ચાર્જ કરવો પડે છે, જ્યારે ઘણા Feature Phone એકવાર ચાર્જ કર્યા પછી 4થી 7 દિવસ સુધી ચાલે છે. મુસાફરી દરમિયાન અથવા બેકઅપ ફોન તરીકે આ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
ડેટા પ્રાઇવસી માટે પણ લોકો પસંદ કરી રહ્યા છે Feature Phone
આજના સમયમાં લોકો પોતાના ડેટા અને પ્રાઇવસી અંગે વધુ સચેત બન્યા છે. સ્માર્ટફોન એપ્સ સતત યુઝરના ડેટા, લોકેશન અને ઓનલાઇન એક્ટિવિટી ટ્રેક કરતી હોય છે.
જ્યારે સામાન્ય Feature Phoneમાં:
ઓછી એપ્સ હોય છે
Malware અને Spywareનો ખતરો ઓછો હોય છે
ડેટા ટ્રેકિંગ મર્યાદિત હોય છે
આ કારણે કેટલાક લોકો તેને વધુ સુરક્ષિત વિકલ્પ માને છે.
સાયબર ફ્રોડ અને ડેટા લીકના વધતા કેસો વચ્ચે હવે ઘણા લોકો “ઓછું સ્માર્ટ, વધુ સુરક્ષિત” વિચારસરણી તરફ વળી રહ્યા છે.
મજબૂતી અને લાંબી ટકાઉ ક્ષમતા પણ છે કારણ
જૂના કીપેડ ફોન તેમની મજબૂતી માટે જાણીતા હતા. ઘણા લોકો હજુ પણ યાદ કરે છે કે વર્ષો પહેલા લીધેલા ફોન લાંબા સમય સુધી ચાલતા હતા.
આજના ઘણા Feature Phone:
હાથમાંથી પડી જાય તો પણ સહેલાઈથી ખરાબ થતા નથી
ઓછી મેન્ટેનન્સ માંગે છે
લાંબા સમય સુધી કામ કરે છે
આ કારણે ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત શહેરોમાં પણ તેની માંગ ફરી વધી રહી છે.
યુવાનોમાં વધી રહ્યો છે “Digital Detox” ટ્રેન્ડ
Digital Detox હવે માત્ર એક ફેશન શબ્દ નથી રહ્યો. ઘણા લોકો હવે ખરેખર સોશિયલ મીડિયા અને સતત ઓનલાઇન જીવનથી બ્રેક લેવા માગે છે. માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ સતત સ્ક્રીન ટાઈમ ઘટાડવાની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને:
ઊંઘમાં સમસ્યા
એન્ઝાયટી
ધ્યાન ભંગ થવું
સોશિયલ મીડિયા થાક
જેવી સમસ્યાઓ વધી રહી છે.
આ કારણે હવે ઘણા યુવાનો Feature Phoneને “Focus Device” તરીકે ઉપયોગ કરી રહ્યા છે.
ભારતમાં હજુ પણ મોટું છે Feature Phone માર્કેટ
ભારતમાં આજે પણ કરોડો લોકો Feature Phone વાપરે છે. ખાસ કરીને ગામડાં વિસ્તારોમાં અને સિનિયર સિટિઝન્સમાં તેની લોકપ્રિયતા યથાવત છે. હવે તેમાં એક નવો વર્ગ ઉમેરાયો છે, શહેરોમાં રહેતા યુવાનો અને પ્રોફેશનલ્સ. તેઓ Feature Phoneને સંપૂર્ણ સ્માર્ટફોનના વિકલ્પ તરીકે નહીં પરંતુ “Balanced Digital Life” માટેના સાધન તરીકે જોઈ રહ્યા છે.





