Home International Fears Of War In Hormuz Irans Against Trump Us Blockade

હોર્મુઝમાં મહાયુદ્ધના ભણકારા : અમેરિકાની નાકાબંધી સામે ઈરાનનું ‘ડેથ વોરંટ’, હવે એક પણ બંદર સલામત નથી!

Hormuz Strait Crisis Iran US Conflict
Published by: Nirali Gohil
Last Updated: Apr 14, 2026, 06:01 AM IST

Middle East Conflict: વિશ્વ અત્યારે એક ભયાનક યુદ્ધના ઉંબરે આવીને ઊભું હોય તેવું લાગી રહ્યું છે. મિડલ ઈસ્ટમાં તણાવ તેની ચરમસીમાએ પહોંચ્યો છે, કારણ કે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) માં અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલી આર્થિક નાકાબંધીના જવાબમાં ઈરાને ખુલ્લેઆમ 'ડેથ વોરંટ' જાહેર કરતા ખાડી દેશોના બંદરો પર ખતરો વધી ગયો છે. આ સંઘર્ષની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર અને ખાસ કરીને તેલના ભાવ પર પડી રહી છે.

પરમાણુ ડીલ પર '5 vs 20' ની ખેંચતાણ: રાજદ્વારી રસ્તો બંધ?

વર્ષોથી ચાલી રહેલી પરમાણુ સમજૂતી (Nuclear Deal) હવે શરતોના વિવાદમાં ફસાઈ ગઈ છે. અમેરિકા ઈચ્છે છે કે, ઈરાન પર આગામી 20 વર્ષ સુધી કડક મોનિટરિંગ અને પ્રતિબંધો રહે, જ્યારે ઈરાન માત્ર 5 વર્ષની શરત સ્વીકારવા તૈયાર છે. આ '5 વિરુદ્ધ 20' વર્ષની ખેંચતાણમાં કોઈ સમાધાન ન મળતા હવે રાજદ્વારી વાટાઘાટો નિષ્ફળ જતી જણાય છે, જે યુદ્ધ તરફ ઈશારો કરી રહી છે.

તેલ બજારમાં હાહાકાર: ક્રૂડ $100ને પાર પહોંચ્યું

હોર્મુઝની સ્ટ્રેટ દુનિયા માટે કેટલી મહત્વની છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વિશ્વના કુલ તેલ પુરવઠાનો 20% હિસ્સો અહીંથી પસાર થાય છે. અમેરિકી નાકાબંધી અને ઈરાનની ધમકીના કારણે તેલની કિંમતોમાં 50% સુધીનો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ સોમવારે 102 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી ગયું હતું. અમેરિકી ઊર્જા મંત્રી ક્રિસ રાઈટે પણ ચેતવણી આપી છે કે જ્યાં સુધી હોર્મુઝમાં સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી તેલના ભાવમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી.

આ પણ વાંચો: હોર્મુઝમાં અમેરિકાએ શરુ કરી નાકાબંધી : વિશ્વયુદ્ધનો વધ્યો ખતરો?

છેલ્લા 24 કલાકના 5 મોટા ઘટનાક્રમ

  • ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી: ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ ઈરાની જહાજ અમેરિકી નાકાબંધી તોડવાનો પ્રયાસ કરશે તો તેને તાત્કાલિક નષ્ટ કરવામાં આવશે.

  • ભારતીય જહાજોને મદદ: તણાવ વચ્ચે ઈરાને ભારત સાથે વાતચીત કરી છે અને ખાતરી આપી છે કે તે ભારતીય જહાજોને હોર્મુઝમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરશે.

  • પોપ લિયોનો ઇનકાર: વિશ્વ શાંતિની અપીલ કરતા પોપ લિયોએ ટ્રમ્પ સાથે રાજકીય ચર્ચા કરવાનો ઇનકાર કરી દીધો છે.

  • બંદરો પર ખતરો: ઈરાને ચેતવણી આપી છે કે જો તેના બંદરો પર હુમલો થશે તો ઓમાન સાગર અને ફારસની ખાડીનું એક પણ બંદર સલામત નહીં રહે.

  • ચીની ટેન્કરની હિંમત: અમેરિકી નાકાબંધી હોવા છતાં 'રિચ સ્ટારી' નામનું ચીની ટેન્કર હોર્મુઝ પાર કરવામાં સફળ રહ્યું છે, જે એક મોટો પડકાર માનવામાં આવે છે.

લેબનોનમાં ઇઝરાયેલનો કહેર: હોસ્પિટલ પર બોમ્બમારો

એક તરફ ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ છે, તો બીજી તરફ દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલના હુમલા તેજ બન્યા છે. ઇઝરાયેલે તેબનિન સરકારી હોસ્પિટલ પર બોમ્બ ફેંક્યા છે, જેના કારણે હોસ્પિટલને ભારે નુકસાન થયું છે અને જાનહાનિના પણ અહેવાલ છે. લેબનોનમાં અત્યાર સુધીમાં ઇઝરાયેલી હુમલામાં 2,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સામી બાજુ, લેબનોનમાં ચાલી રહેલી લડાઈમાં એક ઇઝરાયેલી સૈનિકનું મોત અને ત્રણ ઘાયલ થયા હોવાના સમાચાર પણ સેનાએ આપ્યા છે.

અમેરિકામાં યુદ્ધ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન: 90 લોકો જેલભેગા

ન્યૂયોર્કમાં ઈરાન સાથે યુદ્ધ અને ઇઝરાયેલને હથિયારો આપવા સામે ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મેનહટનમાં ટ્રાફિક જામ કરનારા 90 પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ કરી છે. 'ફંડ પીપલ્સ, નોટ બોમ્બ!' ના નારા સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોમાં જાણીતી અભિનેત્રી હરિ નેફ અને ચેલ્સી મેનિંગ જેવા નામચીન લોકોનો પણ સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now