Home Gujarat Father Fights Leopard To Save Sons Life In Una

ઉનામાં પિતાએ પુત્રનો જીવ બચાવવા દીપડા સાથે ભીડી બાથ : દીપડાએ હુમલો કરતાં જ વૃદ્ધે દાતરડું ઝીંકી દીધું, લોહિયાળ જંગમાં પિતા-પુત્ર ગંભીર ઘાયલ

ઉનામાં પિતાએ પુત્રનો જીવ બચાવવા દીપડા સાથે ભીડી બાથ
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 11:57 AM IST

ગીર સોમનાથના ઉના તાલુકાના ગાંગડા ગામની સીમમાં મોડી રાત્રે દીપડા અને પિતા-પુત્ર વચ્ચે લોહિયાળ જંગ સર્જાઈ હતી, જેમાં પુત્રનો જીવ બચાવવા વૃદ્ધ પિતાએ સ્વબચાવમાં દીપડાને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ દિલ ધડકાવી દે તેવી ઘટનાએ સમગ્ર ઉના પંથકમાં ચકચાર મચાવી દીધી છે.

પિતાએ પુત્રનો જીવ બચાવવા દીપડા સાથે ભીડી બાથ

પ્રાપ્ત માહિતી મુજબ, ગાંગડા ગામની સીમમાં ઓસરીમાં બેઠેલા વૃદ્ધ પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. વૃદ્ધની ચીસો સાંભળીને તેમનો પુત્ર દોડી આવ્યો હતો, પરંતુ દીપડાએ પુત્ર પર પણ જીવલેણ હુમલો કરી દીધો હતો. આ પરિસ્થિતિમાં પુત્રનો જીવ જોખમમાં મુકાતો જોઈ વૃદ્ધ પિતાએ સ્વબચાવમાં ભાલા અને દાતરડાની મદદથી દીપડા પર પ્રહાર કર્યો હતો. પિતા-પુત્ર અને દીપડા વચ્ચે લાંબા સમય સુધી લોહિયાળ સંઘર્ષ થયો હતો. અંતે, ગંભીર ઈજાઓ બાદ દીપડાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઘાયલ

આ હુમલામાં પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાના તરત બાદ બંનેને પહેલા ઉનાની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા ભાલા અને દાતરડાં કબજે કર્યા હતા. દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઉના પંથકમાં સ્વબચાવમાં દીપડાને મારવાની આ પ્રથમ ઘટના હોવાનું જાણવા મળ્યું છે. પુત્રનો જીવ બચાવવા માટે જોખમ સામે ઊભા રહેલા પિતા બાબુભાઈ વાજાની બહાદુરીની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે. સ્થાનિક લોકો તેમની હિંમત અને હાજરદિમાગી માટે પ્રશંસા કરી રહ્યા છે, સાથે જ વન્યજીવો અને માનવ વચ્ચે વધતા સંઘર્ષ અંગે ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now