Bhachau Farmers Protest : ભચાઉના વોંધ નજીક કિસાન સંઘના નેતૃત્વમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલા ચક્કાજામ અંદાજે સાત કલાક બાદ પરત ખેંચવામાં આવ્યો હતો. વીજ ટાવર અને ટ્રાન્સમિશન લાઈનો પસાર કરવાની કામગીરી સામે ખેડૂતો લાંબા સમયથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા હતા, જેના પગલે તેમણે નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામના કારણે હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયો હતો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બેઠકમાં ખેડૂતોને શું ખાતરી આપવામાં આવી?
આ મામલે ભુજ કલેક્ટર કચેરીમાં યોજાયેલી બેઠકમાં ખેડૂત પ્રતિનિધિઓ, કિસાન સંઘના આગેવાનો અને વહીવટી તંત્ર વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન સુખદ સમાધાન થતાં ખેડૂતોએ ચક્કાજામ પરત ખેંચી નેશનલ હાઈવે ફરીથી ખુલ્લો કર્યો હતો. બેઠકમાં ખેડૂતોને ખાતરી આપવામાં આવી હતી કે વીજ ટાવર અને ટ્રાન્સમિશન લાઈનો પસાર કરવા માટે હવે સંબંધિત કંપનીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે નહીં.
કિસાન સંઘે શું દાવો કર્યો
કિસાન સંઘનો દાવો છે કે પૂરતું વળતર આપવામાં ન આવે ત્યાં સુધી કામગીરી સ્થગિત રાખવાની ખેડૂતોની માગ સ્વીકારવામાં આવી છે. આ ઉપરાંત ભુજના લોડાઈ, જવાહરનગર તેમજ ભચાઉના વાંઢિયા સહિતના ગામોમાં ચાલી રહેલી કામગીરી બંધ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. બેઠકમાં થયેલા સમાધાન બાદ ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી હતી અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો હાલ તાત્કાલિક ઉકેલ આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.





