દેશના કરોડો કર્મચારીઓ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ટૂંક સમયમાં મોટું ડિજિટલ અપગ્રેડ લાવવા જઈ રહ્યું છે. EPFO 3.0 હેઠળ કર્મચારીઓને UPI અને ATM મારફતે પ્રોવિડન્ટ ફંડ (PF) ઉપાડવાની સુવિધા આપવામાં આવશે. આ નવી વ્યવસ્થાનો હેતુ PF ક્લેમ પ્રક્રિયાને વધુ ઝડપી, સરળ અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાનો છે.
કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર, નવી સિસ્ટમનું પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે અને તેની સત્તાવાર શરૂઆત અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. જોકે, હાલમાં સુધી EPFO દ્વારા કોઈ ચોક્કસ લોન્ચ તારીખ જાહેર કરવામાં આવી નથી.
UPI અને ATMથી કેવી રીતે મળશે PFની રકમ?
EPFO 3.0 હેઠળ સભ્યો UPI આધારિત સિસ્ટમ દ્વારા PFની પાત્ર રકમ સીધી પોતાના બેંક ખાતામાં મેળવી શકશે. UPI મારફતે ઉપાડ માટે આધાર આધારિત OTP વેરિફિકેશન અને સ્વ-પ્રમાણીકરણ (Self Certification) કરવું પડશે. ત્યારબાદ પાત્રતા મુજબની રકમ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
EPFO સભ્યો માટે ATM જેવી સુવિધા પણ લાવવામાં આવશે. તેના માટે EPFO સાથે જોડાયેલ વિશેષ કાર્ડ આપવામાં આવે તેવી યોજના છે, જેના આધારે સભ્યો ATMમાંથી પાત્રતા મુજબ PFની રકમ ઉપાડી શકશે.
કેટલી રકમ ઉપાડી શકાશે?
EPFOએ ATM અથવા UPI ઉપાડ માટે અલગથી કોઈ નવી મર્યાદા જાહેર કરી નથી. હાલ પણ PF ઉપાડ EPFના પ્રવર્તમાન નિયમો અને ઉપાડના હેતુ (જેમ કે સારવાર, ઘર, બેરોજગારી, લગ્ન, શિક્ષણ વગેરે) અનુસાર જ મંજૂર થશે.
કેટલાક મીડિયા અહેવાલો મુજબ પાત્ર સભ્યોને ઉપલબ્ધ PF બેલેન્સના 75 ટકા સુધી ઉપાડની સુવિધા મળી શકે છે, પરંતુ અંતિમ નિયમો EPFOની સત્તાવાર માર્ગદર્શિકા બહાર પડ્યા બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: હવે ચપટીમાં ઓળખો અસલી અને નકલી દવા! : સ્વાસ્થ્ય મંત્રાલયે બદલ્યો નિયમ, પેકેજિંગ પર દેખાશે QR કોડ
ઓટો-સેટલમેન્ટ અને ઝડપી ક્લેમ પ્રક્રિયા
EPFO 3.0 હેઠળ ક્લેમ પ્રક્રિયાને પણ વધુ ઝડપી બનાવવામાં આવી રહી છે. ઓટો-સેટલમેન્ટની મર્યાદા વધારવામાં આવી છે જેથી વધુ સંખ્યામાં ક્લેમ આપોઆપ મંજૂર થઈ શકે અને સભ્યોને ઓછી રાહ જોવી પડે. નવી ડિજિટલ વ્યવસ્થાથી કાગળની પ્રક્રિયા અને ઓફિસના ચક્કર પણ નોંધપાત્ર રીતે ઘટશે.
કોણ મેળવી શકશે નવી સુવિધાનો લાભ?
નવી સુવિધાનો લાભ લેવા માટે સભ્યનું યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આધાર સાથે લિંક અને સક્રિય હોવું જરૂરી રહેશે. ઉપરાંત PAN વિગતો અપડેટ હોવી, બેંક ખાતું ચકાસાયેલું હોવું, સાચો IFSC કોડ નોંધાયેલો હોવો અને OTP માટે મોબાઇલ નંબર UAN સાથે રજિસ્ટર્ડ હોવો જરૂરી રહેશે. KYC અધૂરી હોય તો નવી સુવિધાનો લાભ મળી શકશે નહીં.
આ પણ વાંચો: ITR ફાઇલિંગથી લઈને TDS સુધી : જુલાઈની આ 3 મહત્વની તારીખો ભૂલવી પડી શકે છે ભારે; ચુકી ગયા તો ભરવો પડશે દંડ
EPFO સેવાઓ બનશે વધુ ડિજિટલ
EPFO 3.0 માત્ર UPI અને ATM ઉપાડ પૂરતું મર્યાદિત નથી. નવી સિસ્ટમ હેઠળ પ્રોફાઇલ અપડેટ, ક્લેમ પ્રક્રિયા, ઓટો સેટલમેન્ટ અને અન્ય ડિજિટલ સેવાઓને પણ વધુ સરળ અને ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેનો સીધો લાભ કરોડો EPF સભ્યોને મળશે.





