Mahakumbh Girl Monalisa Alleges Molestation By Director Sanoj Mishra: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગત વર્ષે મહાકુંભનો ઐતિહાસ મેળો ભરાયો હતો. જેમાં કરોડો લોકોએ આસ્થાની ડુબકી લગાવી હતી. પ્રયાગરાજના આ મહાકુંભ દરમિયાન એક ચહેરો સૌથી વધારે ચર્ચામાં આવ્યો હતો. એ ચહેરો હતો માળા વેચનારી છોકરી મોનાલિસાનો. પોતાની અનોખી આંખો અને લૂકના કારણે કુંભ મેળાથી સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવ્યાં બાદ મોનાલિસાએ ફિલ્મી દુનિયામાં પગ મુક્યો હતો. બધુ સારું જ ચાલી રહ્યું હતું પણ અચાનક એક વર્ષ બાદ આજે ફરી એકવાર એ ચહેરો ચર્ચામાં આવ્યો છે.
પ્રયાગરાજ કુંભ મેળામાંથી ચર્ચામાં આવેલી મોનાલિસાએ મંગળવારે ડિરેક્ટર સનોજ મિશ્રા પર ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ દરમિયાન ખોટી રીતે સ્પર્શ કરવા અને માનસિક ઉત્પીડનના આરોપો લગાવ્યા છે. તેણે જણાવ્યું કે, ફિલ્મ શૂટિંગના નામે ફિલ્મ નિર્દેશક સનોજ મિશ્રા દ્વારા વારંવાર મને ખોટી રીતે ટચ કરવામાં આવતી હતી. મોકો મળે ત્યારે ડાયરેક્ટર અવારનવાર મને ખોટી રીતે અડપલાં કરતો હતો. એટલું જ નહીં ડાયરેક્ટરે મને અને મારા પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. સમગ્ર મામલે કેરળના કોચીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને મોનાલિસાએ કેન્દ્ર સરકાર, કેરળ અને મધ્યપ્રદેશ સરકાર પાસેથી સુરક્ષા માંગી છે. ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રા સામે શારીરિક અને માનસિક શોષણના આરોપો સાથે, આ મામલો હવે માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પૂરતો મર્યાદિત નથી રહ્યો- તેમાં સામાજિક, ધાર્મિક અને સુરક્ષાના મુદ્દાઓ પણ જોડાઈ ગયા છે.
મોનાલિસાના ગંભીર આરોપોથી ઉઠ્યો વિવાદઃ
પ્રયાગરાજના કુંભ મેળામાંથી વાયરલ થઈ લોકપ્રિય બનેલી મોનાલિસાએ તાજેતરમાં કેરળના કોચીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રા સામે ગંભીર આરોપો લગાવ્યા છે. મોનાલિસાના જણાવ્યા મુજબ, ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ના શૂટિંગ દરમિયાન ડિરેક્ટરે અનેક વખત તેના પર ખોટી રીતે સ્પર્શ કર્યો અને માનસિક દબાણ પણ બનાવ્યું. તેણે એવું પણ કહ્યુંકે, જ્યારે પણ હું ફિલ્મના સેટ પર એકલી દેખાઉ કે તરત ડાયરેક્ટર મારી સાથે અડપલાં કરવા લાગતો હતો.
'શું પહેલી ફિલ્મ માટે મારી સાથે રેપ કરાવશો?'
મોનાલિસાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરમાં જણાવ્યું કે, “ફિલ્મ ડિરેક્ટર દ્વારા મને લગભગ 10થી વધારે વાર ખોટી રીતે શારીરિક અડપલાં કરવામાં આવ્યાં છે. મેં આ બાબત મારા પરિવારને જણાવી, પરંતુ મને મારા પરિવારમાંથી પણ કોઈએ સાથ ન આપ્યો. ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રા સારો માણસ નથી, મહિલાઓ પ્રત્યે તેની દાનત ખરાબ છે.” તેણે એવું પણ કહ્યુંકે, 'શું પહેલી ફિલ્મ માટે મારી સાથે રેપ કરાવશો?' મોનાલિસાના આ નિવેદનોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી છે. તે વધુમાં કહે છે કે, શરૂઆતમાં પરિવાર તરફથી તેને સમજાવવામાં આવ્યું કે, આ તેની પહેલી ફિલ્મ છે અને તેને સહન કરવું જોઈએ. આ નિવેદન ખાસ કરીને ચિંતાજનક છે, કારણ કે તે નવા કલાકારોને પડતા દબાણ અને શોષણના જોખમોને ઉજાગર કરે છે.
સુરક્ષા માટે સરકારો પાસે અપીલઃ
મોનાલિસાએ માત્ર આરોપો જ નહીં લગાવ્યા, પરંતુ પોતાની સુરક્ષા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેના કહેવા પ્રમાણે, તેને અને તેના પતિને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. પોસ્ટરો સળગાવવામાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પણ સતત દબાણ બનાવવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં તેણે કેન્દ્ર સરકાર ઉપરાંત કેરળ અને મધ્યપ્રદેશ સરકાર પાસે સુરક્ષા આપવા માટે અપીલ કરી છે. મોનાલિસાનું કહેવું છે કે, “મને ફક્ત ન્યાય જોઈએ છે અને સલામતી પણ.”
લગ્ન અને ‘લવ જેહાદ’ વિવાદે લીધો રાજકીય વળાંકઃ
મામલાનો એક વધુ સંવેદનશીલ પાસો તેના લગ્ન સાથે જોડાયેલો છે. મોનાલિસાએ તાજેતરમાં ફરમાન ખાન સાથે કેરળમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. તેના પરિવારને આ સંબંધ મંજૂર ન હોવાથી બંનેએ અલગ થઈને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ, ડિરેક્ટર સનોજ મિશ્રાએ આ લગ્નને ‘લવ જેહાદ’ ગણાવીને વિવાદ ઉભો કર્યો છે. મોનાલિસાએ આ આરોપોને નકારી કાઢતા કહ્યું કે, “અમે બંનેએ પરસ્પર સંમતિથી અને ધાર્મિક રીતિ મુજબ લગ્ન કર્યા છે. તમામ ધર્મોનો હું સન્માન કરું છું.” તેના પતિ ફરમાન ખાને પણ ગંભીર આરોપો લગાવ્યા છે કે, તેમને માત્ર તેમના નામ અને ધર્મના આધારે ‘આતંકવાદી’ તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે, જે સંપૂર્ણપણે ખોટું છે.
ફિલ્મી દુનિયામાં શોષણનો ફરી ઉઠેલો મુદ્દોઃ
આ ઘટના માત્ર એક વ્યક્તિગત વિવાદ નથી, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા કલાકારો સાથે થતા વર્તન અંગે મોટા પ્રશ્નો ઉભા કરે છે. મોનાલિસાના આરોપો ફરી એકવાર બતાવે છે કે, ગ્લેમર દુનિયામાં પ્રવેશ કરનારાઓ માટે પડકારો કેટલા ગંભીર હોઈ શકે છે. અહીં નોંધનીય છે કે, મોનાલિસા અગાઉ એક સામાન્ય જીવન જીવતી યુવતી હતી, જે પ્રયાગરાજના કુંભ મેળામાં રુદ્રાક્ષ માળા વેચતી હતી. એક વાયરલ વીડિયો બાદ તેને ફિલ્મમાં તક મળી, પરંતુ હવે તે જ તક તેના માટે વિવાદનું કારણ બની ગઈ છે.
ડિરેક્ટરની પ્રતિક્રિયા અને ષડયંત્રના આરોપઃ
સનોજ મિશ્રાએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને સમગ્ર મામલાને ષડયંત્ર ગણાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, તેમણે મોનાલિસાને તક આપવા માટે મોટી રકમનું દેવું લીધું હતું, પરંતુ તેના લગ્નના નિર્ણયથી તેમની ફિલ્મને નુકસાન થયું છે. તેમણે આ મામલાને ધાર્મિક દૃષ્ટિકોણથી જોતા વધુ વિવાદ ઊભો કર્યો છે, જે હવે સામાજિક ચર્ચાનો વિષય બની ગયો છે.
આ કેસમાં અનેક સ્તરો છે- શોષણના આરોપો, આંતરધર્મીય લગ્ન, સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને વ્યક્તિગત સુરક્ષા. આ બધું મળીને આ મામલાને માત્ર એક ફિલ્મી વિવાદ નહીં, પરંતુ સમાજના મોટા મુદ્દાઓ સાથે જોડે છે.
મોનાલિસાના આરોપો સાચા હોય કે ખોટા- તેની નિષ્પક્ષ તપાસ જરૂરી છે. સાથે જ, આ કેસ એ પણ યાદ અપાવે છે કે, નવા કલાકારો માટે સુરક્ષિત અને પારદર્શક કામકાજનું વાતાવરણ કેટલું જરૂરી છે.





