Dimethyl Mercury Facts: હાલમાં ચર્ચામાં રહેલી ફિલ્મ ‘ધુરંધર-2’ માં એક એવા ઝેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે શાંતિથી અને ધીરે-ધીરે માણસને મોતના મુખમાં ધકેલી દે છે. ફિલ્મમાં જે 'ડાયમિથાઇલ મર્ક્યુરી' (Dimethyl Mercury) ને સ્લો પોઈઝન તરીકે દર્શાવવામાં આવ્યું છે, તે માત્ર ફિલ્મી કલ્પના નથી પરંતુ વિજ્ઞાનની દુનિયાનું સૌથી ભયાનક અને જીવલેણ રસાયણ છે. વૈજ્ઞાનિકો તેને 'ઓર્ગેનોમર્કરી કમ્પાઉન્ડ' તરીકે ઓળખે છે. આ ઝેર એટલું શક્તિશાળી છે કે તેના માત્ર બે ટીપાં પણ જો ત્વચાના સંપર્કમાં આવે, તો તે ગ્લોવ્ઝ (મોજાં) ને ચીરીને શરીરમાં પ્રવેશી શકે છે અને થોડા જ મહિનાઓમાં વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત કરી દે છે.
આ રસાયણની સૌથી ખતરનાક બાબત એ છે કે, તેના લક્ષણો તાત્કાલિક દેખાતા નથી. જ્યારે આ ઝેર શરીરમાં જાય છે, ત્યારે તે સીધું મગજ પર હુમલો કરે છે, પરંતુ તેની અસર મહિનાઓ પછી શરૂ થાય છે. આ જ કારણ છે કે તેને 'સ્લો પોઈઝન' કહેવામાં આવે છે. ઈતિહાસમાં આ ઝેરના કારણે અનેક વૈજ્ઞાનિકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે આજે લેબોરેટરીમાં પણ તેનો ઉપયોગ કરવા પર અત્યંત કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ફિલ્મમાં જે રીતે તેનો ઉપયોગ બતાવવામાં આવ્યો છે, તે વાસ્તવિકતામાં કેટલું જોખમી છે તે જાણવું દરેક માટે જરૂરી છે.
1858માં થઈ હતી શોધ: જાણો કોણે બનાવ્યું આ 'ડેડલી' કેમિકલ?
ડાયમિથાઇલ મર્ક્યુરીનો ઈતિહાસ ઘણો જૂનો છે. તેની શોધ સૌપ્રથમ 1857-1858માં બ્રિટિશ કેમિસ્ટ જ્યોર્જ બકટન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૮૬૩માં એડવર્ડ ફ્રેન્કલેન્ડ નામના વૈજ્ઞાનિકે તેને બનાવવાની સરળ રીત શોધી કાઢી હતી. શરૂઆતમાં તે માત્ર વૈજ્ઞાનિક સંશોધન માટે પ્રયોગશાળામાં બનાવવામાં આવતું હતું. જોકે, તેની અત્યંત ઝેરી પ્રકૃતિને કારણે તેને બનાવનાર વૈજ્ઞાનિકો પોતે પણ જોખમમાં મુકાતા હતા, પરિણામે તેનો વ્યાપારી ઉપયોગ ક્યારેય શક્ય બન્યો નથી.
આ પણ વાંચો: 'ધુરંધર 2' પર સંકટ : 100 કરોડની કમાણી બાદ જાણો કેમ રણવીર સિંહની ફિલ્મના વિવાદનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો?
કેવી રીતે કામ કરે છે આ ઝેર? શરીર પર થતી અસરો
આ એક રંગહીન અને ભારે પ્રવાહી છે જે પાણી જેવું દેખાય છે, પરંતુ પાણી કરતા ત્રણ ગણું ભારે હોય છે.
ત્વચા દ્વારા પ્રવેશ: તે લેટેક્સ કે પ્લાસ્ટિકના ગ્લોવ્ઝને પણ સેકન્ડોમાં પાર કરી શકે છે.
મગજ પર હુમલો: શરીરમાં પ્રવેશ્યા પછી તે 'બ્લડ-બ્રેઈન બેરિયર' ને તોડીને સીધું મગજમાં પહોંચે છે અને ન્યુરોન્સને નષ્ટ કરવાનું શરૂ કરે છે.
લક્ષણો: શરૂઆતમાં હાથ-પગમાં સુન્નતા આવે છે, ત્યારબાદ બોલવામાં તકલીફ, સાંભળવાની અને જોવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. અંતે વ્યક્તિ કોમામાં જતી રહે છે અને મોત નીપજે છે.
અમેરિકન વૈજ્ઞાનિક કેરન વેટરહાનનો કિસ્સો: માત્ર ૨ ટીપાં અને મોત
આ ઝેર કેટલું ઘાતક છે તેનું સૌથી મોટું ઉદાહરણ 1997માં અમેરિકાની ડાર્ટમાઉથ કોલેજના કેમિસ્ટ કેરન વેટરહાન સાથે બનેલી ઘટના છે. પ્રયોગશાળામાં કામ કરતી વખતે તેમના ગ્લોવ્ઝ પર ડાયમિથાઇલ મર્ક્યુરીના માત્ર બે ટીપાં પડ્યા હતા. તેમણે તરત જ સાવચેતી રાખી હોવા છતાં, પાંચ મહિના પછી તેમને લક્ષણો દેખાયા અને સારવાર છતાં તેમનું અવસાન થયું. આ કિસ્સા બાદ સમગ્ર વિશ્વમાં આ કેમિકલના હેન્ડલિંગ માટેના નિયમો બદલી નાખવામાં આવ્યા હતા.
શું આ ઝેરનો કોઈ ઈલાજ શક્ય છે?
દુર્ભાગ્યવશ, આ ઝેરનો કોઈ ચોક્કસ એન્ટિડોટ (નાશક) નથી. ડોક્ટરો 'કીલેશન થેરાપી' દ્વારા પારો (Mercury) શરીરની બહાર કાઢવાનો પ્રયાસ કરે છે, પરંતુ જો ઝેર મગજ સુધી પહોંચી ગયું હોય, તો કોઈ પણ થેરાપી કામ કરતી નથી. લોહીમાં મર્ક્યુરીનું સ્તર સામાન્ય કરતા 80 ગણું વધી જાય છે, જે આંતરિક અંગોને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દે છે.





