Home Entertainment Entertainment Kangana Ranaut Emergency Film Review

EMERGENCY REVIEW : કેવી છે કંગના રનૌતની બહુ ગાજેલી ફિલ્મ ‘ઈમરજન્સી’?

EMERGENCY REVIEW
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2025, 06:19 PM IST

આખરે સિનેમાઘરોમાં રિલીઝ ઈમરજન્સી

કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં કંગના રનૌતે દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં અનુપમ ખેર જયપ્રકાશ નારાયણની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ જોવાનું મન બનાવી રહ્યા છો તો પહેલા જોઈ લો રિવ્યુ

રાજનીતિમાં જો કોઈ વાત અસ્વીકાર્ય છે, તો તે હાર છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના આ શબ્દો છે. કંગના રંગનાની ઈમરજન્સી ફિલ્મ રિલીઝ થઈ છે, આ ફિલ્મ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની કટોકટી કાળના પૃષ્ઠભૂમિ પર આધારિત છે. કંગનાએ જ આ ફિલ્મની વાર્તા લખી છે અને તેનું નિર્દેશન કર્યું છે. ઈન્દિરા ગાંધીના લૂકમાં કંગના પ્રભાવશાળી લાગી રહી છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારે લોકોએ ફિલ્મ જોવા માટે મન બનાવી જ દીધુ હતું. લોકોને એ જાણવામાં ઉત્સુકતા હતી કે ફિલ્મમાં ઈન્દિરા ગાંધીનું પાત્ર કેવી રીતે દર્શાવવામાં આવ્યું છે.

મહત્વનું છે કે કંગનાએ ફિલ્મમાં સિનેમેટિક લિબર્ટીનો લાભ લીધો છે. ફિલ્મમાં એવું દર્શાવવાનો પ્રયત્ન કરાયો છે કે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી, પછી ભલે તે આપણા દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી કેમ ના હોય!  ફિલ્મમાં કંગના રનૌતે ઈન્દિરા ગાંધીના બાળપણથી લઈ મૃત્યુ સુધીની સફર દર્શાવવામાં આવી છે. આખી ફિલ્મમાં વિજયા લક્ષ્મી પંડિત જેઓ સ્વતંત્રતા સેનાની હતા, તેમની છબી વિલન તરીકેની દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં ઈન્દિરા ગાંધી અને તેમના પિતા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વચ્ચેના વિચારોનો સંઘર્ષ પણ બતાવ્યો છે. ફિલ્મમાં ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીની છબી નકારાત્મક બતાવાઈ છે. ફિલ્મની વાર્તામાં ઈન્દિરા ગાંધી નાયક છે, તો તેમની નજીકના લોકોને વિલન તરીકે દર્શાવાયા છે.


છેલ્લે સુધી બાંધી રાખતું ડિરેકશન

જે વિષય વિશે તમે પહેલેથી જાણ્યું હોય, તેના પર અનેક ડોક્યુમેન્ટ્રી અને ટૂંકી ફિલ્મો બની હોય તેવા વિષયો પર અઢી કલાકની ફિલ્મ બનાવવી સરળ કામ નથી. આ ફિલ્મ દર્શકોને અંત સુધી જકડી રાખે છે. ફિલ્મની વાર્તામાં એ વાતનું ધ્યાન રખાયું છે કે ફિલ્મથી લોકોનું કનેકશન છૂટી ના જાય. ફિલ્મમાં કાસ્ટિંગ મજબૂત છે.  ફિલ્મમાં પ્રધાનમંત્રીથી લઈ વિપક્ષ પાર્ટીના નેતાઓ અને ભારતીય સેનાના અધ્યક્ષને ગીત ગાતા દર્શાવાયા છે, આ સીન ઓવર ડ્રામેટિક લાગે છે, જેને હટાવી શકાયો હોત તો સારુ હોત.

કલાકારોના અભિનયે દિલ જીત્યા

કંગના રનૌતે ફિલ્મમાં ના માત્ર ઈન્દિરા ગાંધી જેવો લૂક લીધો છે,પરંતુ ઈન્દિરા ગાંધીના એકસ્પ્રેશન અને બોડી લેંગ્વેજ પર પણ કંગનાએ મહેનત કરી હોય તે ફિલ્મમાં દેખાઈ આવે છે. ઈન્દિરા ગાંધીના કપડાથી લઈ હેર સ્ટાઈલ તમામ બાબતોમાં કમ્પ્લેટ ધ્યાન આપવામાં આવ્યું છે. ઈન્દિરા ગાંધીને ગુડિયા કહીને સંબોધન કરનારા જયપ્રકાશ નારાયણનું પાત્ર અનુપમ ખેરે ભજવ્યું છે. અનુપમ ખેર કેટલા સારા અભિનેતા છે, તેની સાબિતી આપવાની જરૂર જ નથી. અટલ બિહારી વાજપેયીના પાત્રમાં શ્રેયસ તલપડેનો અભિનય લાજવાબ છે. જગજીવન રામના કિરદારમાં સતીષ કૌશિક જોવા મળ્યા હતા.

ફિલ્મ જોવી કે ના જોવી?

આ ફિલ્મમાં સંજય ગાંધીનું પાત્ર જે રીતે દર્શાવાયું છે, તે ખટકી શકે છે. 21 મહિના સુધી ચાલનારી ઈમરજન્સી આ ફિલ્મના મૂળમાં છે. કંગના રનૌતે ઈમરજન્સી ફિલ્મ બનાવવાનો ઈમાનદાર પ્રયાસ કર્યો છે. સારી કહાનીને જાણવા, સારો અભિનય નિહાળવા અને ઈન્દિરા ગાંધીને નજીકથી સમજવા ફિલ્મને થિયેટરમાં જોઈ શકાય.

ફિલ્મ- ઈમરજન્સી

ડિરેકટર- કંગના રનૌત

સ્ટારકાસ્ટ- કંગના રનૌત, અનુપમ ખેર, શ્રેયસ તલપડે, સ્વ. સતીષ કૌશિક, મહિમા ચૌધરી

રેટિંગ- 3.5

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now