Online Scam : આજના આધુનિક સમયમાં જેમ ટેકનોલોજી વધી રહી છે, તેમ ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ ઝડપથી વધી રહ્યા છે. સ્કેમર્સ હવે પહેલા કરતાં વધુ ચાલાક બની ગયા છે અને તમને ફસાવવા માટે નવા-નવા રસ્તાઓ અપનાવે છે. સામાન્ય રીતે લોકો કોઈપણ ઓનલાઈન ઠગાઈને 'ફિશિંગ' કહી દેતા હોય છે, પરંતુ વાસ્તવમાં તેના અલગ-અલગ પ્રકારો છે. ઈમેલ, મેસેજ કે કોલ - આ ત્રણેય માધ્યમથી તમારી અંગત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ફિશિંગ (Phishing) : ઈમેલ દ્વારા જાળ
ફિશિંગ એ ઓનલાઈન ઠગાઈની સૌથી જૂની અને સામાન્ય પદ્ધતિ છે. આમાં સ્કેમર્સ તમને એવા ઈમેલ મોકલે છે, જે કોઈ જાણીતી બેંક, સરકારી સંસ્થા કે શોપિંગ સાઇટ (જેમ કે Amazon કે Flipkart) માંથી આવ્યા હોય તેવા લાગે. આ ઈમેલમાં "તમારું એકાઉન્ટ બંધ થઈ જશે" અથવા "KYC અપડેટ કરો" જેવી ધમકીઓ આપીને એક લિંક પર ક્લિક કરવા માટે લલચાવવામાં આવે છે. લિંક પર ક્લિક કરતાં જ તમે નકલી વેબસાઈટ પર પહોંચો છો અને ત્યાં તમારો પાસવર્ડ કે કાર્ડ ડિટેલ્સ નાખતા જ તે સ્કેમર્સના હાથમાં આવી જાય છે.
સ્મિશિંગ (Smishing) : મેસેજ દ્વારા છેતરપિંડી
સ્મિશિંગ એ ફિશિંગ જેવું જ છે, પરંતુ અહીં માધ્યમ ઈમેલને બદલે SMS અથવા WhatsApp મેસેજ હોય છે. તમને મેસેજમાં કહેવામાં આવશે કે, તમારું પાર્સલ અટવાઈ ગયું છે, તમને વીજળીનું બિલ બાકી છે અથવા તો તમને મોટું ઈનામ લાગ્યું છે. આ મેસેજમાં આપેલી લિંક ઓફિશિયલ દેખાય છે પણ તે ઠગાઈનો રસ્તો હોય છે. લોકો ઘણીવાર મોબાઈલ મેસેજને વધુ સુરક્ષિત માનીને લિંક પર ક્લિક કરી દેતા હોય છે અને છેતરાય છે.
વિશિંગ (Vishing) : ફોન કોલ દ્વારા લૂંટ
વિશિંગ એટલે 'વોઈસ ફિશિંગ'. આમાં ઠગ સીધો તમને ફોન કોલ કરે છે. તે પોતે બેંક ઓફિસર, પોલીસ કે કસ્ટમર કેર એજન્ટ હોવાનો ઢોંગ કરે છે. તેઓ એવી પરિસ્થિતિ ઉભી કરે છે કે, તમે ગભરાઈ જાઓ, જેમ કે "તમારું કાર્ડ બ્લોક થઈ ગયું છે" અથવા "તમારા એકાઉન્ટમાંથી શંકાસ્પદ વ્યવહાર થયો છે". ત્યારબાદ તેઓ તમારી પાસેથી OTP, PIN અથવા બેંકની વિગતો માંગે છે. કોલર આઈડી સ્પૂફિંગના કારણે ફોન પર આવતો નંબર પણ સાચો લાગે છે, જેનાથી લોકો સરળતાથી વિશ્વાસ કરી બેસે છે.
શું છે આ ત્રણેય વચ્ચેનો તફાવત?
જોકે આ ત્રણેયનો હેતુ તમારી અંગત અને બેંકિંગ માહિતી ચોરવાનો જ છે, પરંતુ રીત અલગ છે:
ફિશિંગ : ઈમેલ દ્વારા (Email)
સ્મિશિંગ : મેસેજ દ્વારા (SMS/WhatsApp)
વિશિંગ : ફોન કોલ દ્વારા (Voice Call)
કેવી રીતે રહેવું સુરક્ષિત?
સાયબર ઠગાઈથી બચવા માટે આ સાવચેતીઓ રાખવી ખૂબ જરૂરી છે:
ઉતાવળ ન કરો : કોઈ પણ મેસેજ કે કોલ આવે ત્યારે ગભરાયા વગર શાંતિથી વિચારો.
OTP શેર ન કરો : બેંક ક્યારેય પણ તમારી પાસે OTP, PIN કે પાસવર્ડ માંગતી નથી.
લિંક તપાસો : અજાણ્યા નંબર પરથી આવેલી કોઈ પણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.
સત્તાવાર માધ્યમ : બેંકની માહિતી માટે હંમેશા તેમની ઓફિશિયલ વેબસાઈટ કે એપનો જ ઉપયોગ કરો.
તપાસ કરો : જો કોઈ બેંકનો કોલ આવે તો તેને કાપીને તમારી નજીકની બેંક શાખા પર જઈને જાતે તપાસ કરો.
છેતરપિંડી થાય તો શું કરવું?
જો તમને લાગે કે તમે છેતરાયા છો અથવા તમારી બેંકિંગ માહિતી લીક થઈ છે, તો જરાય મોડું કર્યા વગર તમારી બેંકને જાણ કરો અને કાર્ડ બ્લોક કરાવો. આ સિવાય, ભારત સરકારના સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર તરત ફોન કરીને ફરિયાદ નોંધાવો.




















