Home Automobile Electric Vs Hybrid Car Weather Impact Gujarati

EV ખરીદતા પહેલા જરૂર વાંચો : ખરાબ હવામાનમાં વધી શકે છે ખર્ચ અને ઘટી શકે છે રેન્જ

Electric Car Range, Hybrid Car Mileage
Published by: Vishal Dave
Last Updated: May 12, 2026, 06:00 PM IST

ભારતમાં ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કારોની માંગ ઝડપથી વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે લોકો હવે એવી ગાડીઓ તરફ વળી રહ્યા છે જે ઓછી કિંમતમાં વધુ અંતર કાપી શકે. જોકે, ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હંમેશા રહે છે, શું ભારે ગરમી અથવા કડકડતી ઠંડીમાં પણ આ ગાડીઓ સમાન રીતે કામ કરે છે?

હવે આ મુદ્દે થયેલી નવી સ્ટડીમાં રસપ્રદ માહિતી સામે આવી છે. અમેરિકાની જાણીતી ઓટોમોબાઇલ સંસ્થા AAAની રિસર્ચ મુજબ હવામાનનો પ્રભાવ ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ બંને ગાડીઓ પર પડે છે, પરંતુ સૌથી વધુ અસર ઇલેક્ટ્રિક કારોની રેન્જ અને કાર્યક્ષમતા પર જોવા મળે છે.

ઠંડીમાં સૌથી વધુ અસર EV પર

AAAએ પોતાની સ્ટડી દરમિયાન ત્રણ ઇલેક્ટ્રિક કાર અને ત્રણ હાઇબ્રિડ કારને અલગ-અલગ હવામાન પરિસ્થિતિમાં ટેસ્ટ કરી હતી. ગાડીઓને લગભગ 20°F જેવી અત્યંત ઠંડી અને 95°F જેવી ભારે ગરમીમાં ચલાવીને તેમની રેન્જ, માઇલેજ અને ખર્ચનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. સ્ટડીમાં જાણવા મળ્યું કે ભારે ઠંડી ઇલેક્ટ્રિક કારો માટે સૌથી મોટી સમસ્યા બની શકે છે. રિપોર્ટ મુજબ ઠંડા હવામાનમાં EVની કાર્યક્ષમતા લગભગ 35.6 ટકા સુધી ઘટી ગઈ હતી. તેની સાથે ડ્રાઇવિંગ રેન્જમાં પણ લગભગ 39 ટકા સુધીનો ઘટાડો નોંધાયો.

સરળ ભાષામાં સમજીએ તો જો કોઈ ઇલેક્ટ્રિક કાર સામાન્ય હવામાનમાં 400 કિલોમીટર ચાલતી હોય, તો ખૂબ ઠંડીમાં તેની રેન્જ લગભગ 240થી 250 કિલોમીટર સુધી ઘટી શકે છે. તેનું મુખ્ય કારણ બેટરી ટેક્નોલોજી છે. ઠંડા તાપમાનમાં Lithium-ion બેટરી સામાન્ય કરતાં ઓછી અસરકારક રીતે કામ કરે છે અને વધુ ઊર્જા વાપરે છે.

Hybrid Cars પર પણ પડે છે અસર

ઘણા લોકો માને છે કે હાઇબ્રિડ કારો પર હવામાનનો ખાસ પ્રભાવ પડતો નથી, પરંતુ સ્ટડીમાં એવું સંપૂર્ણપણે સાચું સાબિત થયું નથી. ભારે ઠંડીમાં હાઇબ્રિડ કારોની માઇલેજમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

રિસર્ચ અનુસાર ઠંડા હવામાનમાં Hybrid Carsનું માઇલેજ લગભગ 22.8 ટકા સુધી ઘટી ગયું. જોકે આ અસર EVની સરખામણીએ ઓછી હતી, કારણ કે હાઇબ્રિડ કારોમાં પેટ્રોલ એન્જિન અને બેટરી બંનેનો ઉપયોગ થતો હોવાથી તેઓ સંપૂર્ણપણે બેટરી પર આધારિત નથી. તેના કારણે ખરાબ હવામાનમાં હાઇબ્રિડ કારો થોડી વધુ સ્થિર કામગીરી આપે છે.

ગરમી પણ બની શકે છે સમસ્યા

માત્ર ઠંડી જ નહીં, ભારે ગરમી પણ ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ બંને પ્રકારની ગાડીઓની કાર્યક્ષમતાને અસર કરે છે. સ્ટડી દરમિયાન લગભગ 95°F તાપમાનમાં EVની Efficiencyમાં 10.4 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો, જ્યારે તેની રેન્જમાં લગભગ 8.5 ટકા સુધી ઘટાડો નોંધાયો. બીજી તરફ હાઇબ્રિડ કારોની માઇલેજમાં પણ લગભગ 12 ટકા સુધી ઘટાડો થયો હતો. ગરમીમાં બેટરી અને કૂલિંગ સિસ્ટમ વધુ કામ કરતી હોવાથી એનર્જી કન્ઝમ્પશન વધી જાય છે. ખાસ કરીને લાંબી મુસાફરી દરમિયાન સતત ACનો ઉપયોગ પણ રેન્જ ઘટાડે છે.

હવામાન બદલાતા ખર્ચ પણ વધી જાય છે

આ સ્ટડીમાં એક મહત્વની બાબત એ પણ સામે આવી કે ખરાબ હવામાનમાં ગાડીઓ ચલાવવાનો ખર્ચ પણ વધી જાય છે. ઠંડીમાં ઇલેક્ટ્રિક કારોની બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થતી હોવાથી વધુ વાર ચાર્જિંગ કરવાની જરૂર પડે છે. ખાસ કરીને Public Charging Stationનો ઉપયોગ કરતા લોકો માટે ખર્ચ વધુ વધી શકે છે. જો EVને ઘરે ચાર્જ કરવામાં આવે તો ખર્ચ થોડો નિયંત્રિત રહી શકે છે, પરંતુ બહારના ફાસ્ટ ચાર્જર્સનો વધુ ઉપયોગ ખર્ચાળ સાબિત થઈ શકે છે. હાઇબ્રિડ કારોમાં પણ ઠંડી અને ગરમી દરમિયાન ફ્યુઅલ કન્ઝમ્પશન વધી જાય છે, જેના કારણે પેટ્રોલ ખર્ચ વધી શકે છે.

ભારતમાં કેટલો પડશે અસર?

ભારતમાં હજુ EV માર્કેટ ઝડપથી વિકસી રહ્યો છે અને મોટા શહેરોમાં ઇલેક્ટ્રિક કારોની સંખ્યા સતત વધી રહી છે. જોકે ભારતનું હવામાન પણ ઘણી જગ્યાએ પડકારજનક બની શકે છે.

ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી અને ઉનાળામાં 45 ડિગ્રી સુધી પહોંચતું તાપમાન EVની વાસ્તવિક રેન્જને અસર કરી શકે છે. તેના કારણે કંપનીઓ દ્વારા જણાવાયેલી રેન્જ અને વાસ્તવિક ઉપયોગ દરમિયાન મળતી રેન્જમાં મોટો ફરક જોવા મળી શકે છે. આ કારણે હવે ગ્રાહકો માત્ર “એકવાર ચાર્જમાં કેટલું ચાલે છે” એટલું જ નહીં પરંતુ “વિવિધ હવામાનમાં કેવી કામગીરી આપે છે” તે પણ ધ્યાનમાં લેવા લાગ્યા છે.

EV ખરીદતા પહેલા શું ધ્યાનમાં રાખવું?

જો તમે ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રિડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા શહેરનું હવામાન, દૈનિક ડ્રાઇવિંગ અને ચાર્જિંગ સુવિધા જેવી બાબતો ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે.

ખાસ કરીને:

  • લાંબી મુસાફરી કરનાર લોકો

  • ખૂબ ગરમ અથવા ઠંડા વિસ્તારમાં રહેતા ગ્રાહકો

  • Public Charging પર વધુ નિર્ભર લોકો માટે આ બાબતો વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

નિષ્ણાતોનું માનવું છે કે હાઇબ્રિડ કારો હાલ એવા લોકો માટે વધુ પ્રેક્ટિકલ વિકલ્પ બની શકે છે જેમને રેન્જ અને હવામાન બંને અંગે ચિંતા હોય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now