કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની રવિવારે ગવર્નર-જનરલ મેરી સિમોનને મળ્યા અને સંસદને ભંગ કરવાની અને ચૂંટણીની તારીખ જાહેર કરવાની વિનંતી કરી. કેનેડામાં આગામી ચૂંટણી 28 એપ્રિલે યોજાશે. લિબરલ પાર્ટીના નેતા માર્ક કાર્ની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોયલીવરે સામે લડશે.
જસ્ટિન ટ્રુડેઉના રાજીનામા પછી વડા પ્રધાન બનેલા કાર્નીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલી રહેલા ટેરિફ વોરનો ઉલ્લેખ કરીને ચૂંટણીની જાહેરાત દરમિયાન જાહેર સમર્થન માંગ્યું હતું. તેમણે ટ્રમ્પ સામે કડક વલણ અપનાવ્યું છે.
માર્ક કાર્નીએ જાહેર સમર્થન માંગ્યું
કાર્નીએ જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે અસરકારક રીતે વ્યવહાર કરવા અને કેનેડાના અર્થતંત્રને મજબૂત કરવા માટે જાહેર સમર્થન ઇચ્છે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રમ્પની વેપાર નીતિઓ અને કેનેડાની સાર્વભૌમત્વને સંભવિત જોખમોથી બચાવવા માટે એક મજબૂત સરકારની જરૂર છે. કાર્નીએ તેમના હરીફ, કન્ઝર્વેટિવ નેતા પિયરે પોયલીવરે પર નિશાન સાધ્યું અને તેમના પર ટ્રમ્પ જેવી નીતિઓ અપનાવવાનો આરોપ લગાવ્યો.
આ મહિનાની શરૂઆતમાં, માર્ક કાર્નીએ કેનેડાના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર કાર્નીએ તેમની નાણાકીય કુશળતાને પ્રાથમિકતા આપીને કેનેડિયન અર્થતંત્રને મજબૂત કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
'મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ'
કાર્નીએ કહ્યું, "આપણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ અને ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છીએ કારણ કે ટ્રમ્પની અયોગ્ય વેપાર નીતિઓ આપણી સાર્વભૌમત્વને જોખમમાં મૂકે છે. અમારો પ્રતિસાદ મજબૂત અર્થતંત્ર અને સુરક્ષિત કેનેડાનું નિર્માણ કરવાનો હોવો જોઈએ.
હું ટ્રમ્પ સાથે મજબૂત રીતે વ્યવહાર કરવા અને સમૃદ્ધ કેનેડિયન અર્થતંત્રનું નિર્માણ કરવા માટે જનાદેશ માગુ છું. અમેરિકાના રાષ્ટ્રપતિ દાવો કરી રહ્યા છે કે કેનેડા તેમના દેશનો ભાગ છે. તેઓ અમને નબળા પાડવા માગે છે, પરંતુ અમે આવું ક્યારેય થવા નહીં દઈએ.





