El Nino Indian monsoon: ભારતમાં જ્યારે પણ “એલ નીનો” શબ્દ ચર્ચામાં આવે છે ત્યારે લોકોમાં તરત જ નબળા મોન્સૂન, પાણીની તંગી અને ખેતીના નુકસાનની ભીતિ ઉભી થાય છે. પરંતુ હકીકત એટલી સરળ નથી. હવામાન વૈજ્ઞાનિકો કહે છે કે એલ નીનો ભારત માટે જોખમકારક પરિબળ જરૂર છે, પરંતુ દર વખતે તે દુષ્કાળ જ લાવે એવું નથી. ઘણા વર્ષોમાં એલ નીનો હોવા છતાં ભારતે સામાન્ય કે સરેરાશથી વધુ વરસાદ પણ નોંધાવ્યો છે. હવે 2026 માટે ફરી એકવાર એલ નીનોની ચર્ચા વચ્ચે આ મુદ્દો ફરી કેન્દ્રમાં આવ્યો છે.
શું છે એલ નીનો અને કેમ વધે છે ભારતની ચિંતા?
એલ નીનો એક વૈશ્વિક હવામાન પ્રણાલી છે, જે પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગમાં સમુદ્રના પાણીનું તાપમાન સામાન્ય કરતાં વધારે વધી જવાથી સર્જાય છે. આ ફેરફાર વિશ્વભરના પવન અને વરસાદના પેટર્નને અસર કરે છે. ભારત માટે સૌથી મોટી ચિંતા એ છે કે દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન પર તેની સીધી અસર જોવા મળે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 2026 માટે મોન્સૂન “Below Normal” રહેવાની શક્યતા દર્શાવી છે. અંદાજ મુજબ આ વર્ષે વરસાદ Long Period Average (LPA) ના લગભગ 92 ટકા સુધી રહી શકે છે. પરંતુ નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે “એલ નીનો” અને “દુષ્કાળ” વચ્ચે સીધો અને દરેક વખતે સમાન સંબંધ નથી.
ભૂતકાળના શું કહે છે આંકડા ?
ઇતિહાસ જોવામાં આવે તો કેટલાક એલ નીનો વર્ષોમાં ભારતે ખરેખર ભારે વરસાદી ખાધનો સામનો કર્યો હતો. 2002 અને 2009 જેવા વર્ષોમાં મોન્સૂન ખૂબ નબળો રહ્યો અને દેશના અનેક રાજ્યોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ બીજી તરફ એવા વર્ષો પણ રહ્યા છે જ્યાં એલ નીનો હોવા છતાં મોન્સૂન લગભગ સામાન્ય રહ્યો હતો. ઉદાહરણ તરીકે 1997માં એલ નીનો હોવા છતાં વરસાદ લગભગ સામાન્ય રહ્યો. 1991માં પણ મોન્સૂન પર મોટો નકારાત્મક પ્રભાવ ન જોવા મળ્યો. કેટલાક જૂના વર્ષોમાં તો સરેરાશથી વધુ વરસાદ પણ નોંધાયો હતો. આથી વૈજ્ઞાનિકો કહે છે કે એલ નીનો મોન્સૂનને પ્રભાવિત કરતું એક મોટું પરિબળ છે, પરંતુ એકમાત્ર કારણ નથી.
મોન્સૂન પર અન્ય કયા પરિબળો અસર કરે છે?
ભારતીય મોન્સૂન અત્યંત જટિલ પ્રણાલી છે. તેમાં અનેક વૈશ્વિક અને પ્રાદેશિક પરિબળો સાથે મળીને કામ કરે છે. તેમાં ખાસ કરીને નીચેના પરિબળો મહત્વપૂર્ણ માનવામાં આવે છે..
ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD)
ભારતીય મહાસાગરમાં પાણીના તાપમાનમાં ફેરફાર થવાથી મોન્સૂન મજબૂત અથવા નબળો બની શકે છે. કેટલાક વર્ષોમાં સકારાત્મક IOD એલ નીનોની નકારાત્મક અસરને ઘટાડે છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સ્થિતિ
ચક્રવાત, ભેજ અને સમુદ્રી પવનની ગતિ પણ વરસાદના વિતરણને અસર કરે છે.
પશ્ચિમી વિક્ષેપ અને હિમવર્ષા
યુરેશિયન સ્નો કવર અને ઉત્તર દિશાના હવામાન પેટર્ન પણ ભારતીય મોન્સૂન પર અસર કરે છે.
2026 માટે કેમ વધી રહી છે ચિંતા?
આ વર્ષે વૈશ્વિક હવામાન એજન્સીઓએ એલ નીનો વિકસવાની સંભાવના મજબૂત હોવાનું જણાવ્યું છે. અમેરિકાની NOAA સહિત અનેક સંસ્થાઓએ મે-જૂન દરમિયાન એલ નીનો સક્રિય થઈ શકે અને વર્ષના અંત સુધી અસર જાળવી રાખી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
IMD અનુસાર આ સ્થિતિના કારણે સરેરાશ કરતાં ઓછો વરસાદ, લાંબા સુકા સમયગાળા, વધુ ગરમીની લહેરો, કૃષિ ઉત્પાદન પર અસર, પાણીના સંગ્રહમાં ઘટાડો જેવા જોખમો વધી શકે છે. ખાસ કરીને ખારીફ પાકો જેમ કે ચોખા, મકાઈ, કપાસ અને દાળના ઉત્પાદનમાં ઘટાડાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. તાજેતરના અભ્યાસોમાં પણ એલ નીનો વર્ષોમાં કેટલાક જિલ્લાઓમાં 10 ટકા કરતાં વધુ ઉત્પાદન ઘટતું હોવાનું જણાવાયું છે.





