Home Gujarat Dycm Harsh Sanghvis Birthday Speech

'8 થી 10 સુધી લાખો ભક્તો સોમનાથ આવવાના છે' : DyCM હર્ષ સંઘવીએ જન્મ દિવસે પર શું કહ્યું?

'8 થી 10 સુધી લાખો ભક્તો સોમનાથ આવવાના છે'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2026, 08:56 AM IST

DyCM Harsh Sanghvi birthday : આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો જન્મદિવસ છે. જન્મદિવસની શરૂઆત તેમણે ગાંધીનગર સ્થિત સેક્ટર-2માં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે વહેલી સવારે દર્શન કરીને કરી હતી. મંદિર ખાતે પૂજા-અર્ચન કરીને તેમણે રાજ્ય અને દેશની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. તેમના જન્મદિવસના પ્રસંગે કાર્યકરો અને શુભેચ્છકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

'સોમનાથની ઇમારત તોડી શક્યો હશે પણ આસ્થાને નહી...'

આ અવસરે DyCM હર્ષ સંઘવીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. તેમણે કહ્યું કે મોહમ્મદ ગજની સોમનાથની ઇમારત તોડી શક્યો હશે, પરંતુ સોમનાથની આસ્થાને કોઈ તોડી શક્યું નથી. આ સ્વાભિમાન પર્વ અંતર્ગત 72 કલાક સુધી અખંડ ઓમકાર જાપ ચાલશે, જે સમગ્ર દેશમાં એક અનોખો આધ્યાત્મિક માહોલ સર્જશે.

'108 ઘોડાઓ સાથે શોભાયાત્રા નીકળશે'

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે આજે વહેલી સવારે 4 વાગ્યાથી જ ભક્તો સોમનાથ પહોંચવા લાગ્યા છે અને 8 થી 10 જાન્યુઆરી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ આવવાના છે. આ વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને સોમનાથ ખાતે ખૂબ મોટી અને સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી ભક્તોને કોઈ અસુવિધા ન થાય. તેમણે કહ્યું કે, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સોમનાથ આવી રહ્યા છે અને આ પ્રસંગે સોમનાથ ખાતે ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે'. આ શૌર્ય યાત્રામાં 1000 ઋષિકુમારો દ્વારા શંખનાદ કરવામાં આવશે તેમજ 108 ઘોડાઓ સાથે શોભાયાત્રા નીકળશે, જે આ ઉત્સવને વધુ ભવ્ય અને યાદગાર બનાવશે.

'ઐતિહાસિક અને ગૌરવભર્યો ઉત્સવ'

DyCM હર્ષ સંઘવીએ અંતમાં જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વ લાખો સોમનાથ ભક્તો માટેનો એક ઐતિહાસિક અને ગૌરવભર્યો ઉત્સવ છે, જેમાં આસ્થા, શૌર્ય અને રાષ્ટ્રગૌરવનો અનોખો સંગમ જોવા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now