Home Gujarat Dycm Harsh Sanghvi Holds Meeting To Organize Shivratri Fair In Junagadh

'ગુજરાતમાં થશે કુંભમેળા જેવા ભવ્ય મેળાનું આયોજન' : સુરક્ષા અને મેળાની વ્યવસ્થાને લઈને DyCM હર્ષ સંઘવીએ કરી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

'ગુજરાતમાં થશે કુંભમેળા જેવા ભવ્ય મેળાનું આયોજન'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2025, 10:29 AM IST

Junagadh DyCM Harsh Sanghvi Meeting : જૂનાગઢના પ્રસિદ્ધ અને પવિત્ર ભવનાથ શિવરાત્રિ મેળાના આયોજનને લઈને ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જૂનાગઢના આગેવાનો, સંતો-મહંતો, વહીવટી અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ભવનાથના મેળાને કુંભ મેળાની તર્જ પર ભવ્ય અને વ્યવસ્થિત રીતે યોજવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. તેમની સાથે મનપાના પદાધિકારીઓ, પોલીસ અને અન્ય વિભાગોના અધિકારીઓ પણ જોડાયા હતા. ભવનાથમાં દર વર્ષે યોજાતો પવિત્ર શિવરાત્રિ મેળો શ્રદ્ધાળુઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે અને હવે આ મેળાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે તે દિશામાં ચર્ચા કરવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી

જૂનાગઢના ધારાસભ્ય સંજય કારડીયાએ જણાવ્યું હતું કે, ભવનાથમાં પવિત્ર શિવરાત્રિ મેળો યોજાય છે અને દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે. આજે જૂનાગઢના સંતો અને મનપાના પદાધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક યોજાઈ હતી, જેમાં મેળાના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા થઈ.

'દેશ-વિદેશથી લોકો આ મેળામાં આવે તે પર ભાર મૂકવામાં આવ્યો'

તેમણે જણાવ્યું કે, 'આ મેળો સાધુ-સંતોનો મેળો રહે અને તેની પવિત્રતા જળવાઈ રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. સાથે જ આ મેળાને વિશ્વ ફલક પર લઈ જવા માટે કેવી રીતે આયોજન કરવું તેની પણ ચર્ચા કરવામાં આવી. સ્વચ્છતા, પાર્કિંગ વ્યવસ્થા અને દામોદર કુંડમાં સફાઈના મુદ્દાઓ પર ખાસ ચર્ચા થઈ અને તેના ઉકેલ માટે સૂચનો આપવામાં આવ્યા. બેઠકમાં પ્રકૃતિને કોઈ નુકસાન ન થાય તે રીતે મેળાની સુંદરતા વધે, ભવનાથનો મેળો નેશનલ લેવલનો બને અને દેશ-વિદેશથી લોકો આ મેળામાં આવે તેવા આયોજન પર ભાર મૂકવામાં આવ્યો. સંતો-મહંતોના મહત્વપૂર્ણ સૂચનો પણ આ બેઠકમાં લેવામાં આવ્યા હતા.

સુવિધાઓ વધારવા માટે યોગ્ય આયોજન

બેઠકમાં સંતો સાથે બેસીને રવેડીના રૂટને વધુ લાંબો અને સુવ્યવસ્થિત બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. સાથે જ સ્વચ્છતા, ટોયલેટ, પાર્કિંગ સહિતની સુવિધાઓ વધારવા માટે યોગ્ય આયોજન કરવાની વાત કરવામાં આવી. સુદર્શન તળાવમાં આરતી યોજાય અને ભવનાથનો મેળો વધુ પવિત્ર અને ભવ્ય બને તે અંગે પણ ચર્ચા થઈ. આ રીતે ભવનાથ શિવરાત્રિ મેળાને વધુ સુવ્યવસ્થિત, સ્વચ્છ, પવિત્ર અને ભવ્ય બનાવવા માટે રાજ્ય સરકાર, વહીવટીતંત્ર અને સંતો સાથે મળીને સંકલ્પબદ્ધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now