Home Gujarat Drunk Driver Hits 9 Vehicles Near Shilaj In Ahmedabad

અમદાવાદમાં શીલજ નજીક નશામાં ધૂત કારચાલકે 9 વાહનોને લીધા અડફેટે : સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહનોને મારી ટક્કર, લોકોમાં રોષ

અમદાવાદમાં શીલજ નજીક નશામાં ધૂત કારચાલકે 9 વાહનોને લીધા અડફેટે
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 06:28 AM IST

અમદાવાદમાં શીલજ નજીક મોડી રાત્રે દારૂના નશામાં ધૂત કારચાલકે ભારે આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. શીલજ–રાંચરડા રોડ પર નશામાં કાર ચલાવતા કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા એક પછી એક કુલ 9 વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ટુ-વ્હીલર તેમજ ફોર-વ્હીલર વાહનોને ટક્કર વાગી હતી, જેના કારણે અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું. અચાનક બનેલી આ ઘટનાથી રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

એકસાથે 9 વાહનોને લીધા અડફેટે

મળતી માહિતી મુજબ કારચાલકનું નામ નિતિન શાહ હોવાનું જાણવા મળ્યું છે. નશાની હાલતમાં કાર ચલાવતા તેણે નિયંત્રણ ગુમાવી અનેક વાહનોને ટક્કર મારી હતી. ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિક લોકોએ હિંમત દાખવી કારચાલકને ઝડપી પાડી લીધો હતો અને તરત જ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા બોપલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કારચાલક નિતિન શાહની અટકાયત કરી હતી અને તેની મેડિકલ તપાસ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

નશામાં કારચાલકે ભારે તાંડવ મચાવ્યો

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી નથી, પરંતુ નશામાં વાહન ચલાવવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. ઘટનાએ ફરી એક વખત દારૂ પીને વાહન ચલાવવાના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોર્યું હોવાનું સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. આવા બેદરકાર કારચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now