દશકોથી યુદ્ધના મેદાનમાં જેનો દબદબો રહ્યો છે તેવી વિશાળ ટેન્કો અને ભારે તોપો હવે આકાશમાં ઉડતા ડ્રોન સામે લાચાર દેખાઈ રહી છે. ટેકનોલોજીએ યુદ્ધની વ્યાખ્યા બદલી નાખી છે. અગાઉ ડ્રોન માત્ર જાસૂસી માટે વપરાતા હતા, પરંતુ આજે તે યુદ્ધના મેદાનમાં સીધા હુમલા કરનારા મુખ્ય હથિયાર બની ગયા છે. રશિયા-યુક્રેન અને ઇઝરાયેલ-ઈરાન વચ્ચેના હાલના સંઘર્ષોએ સાબિત કર્યું છે કે જેની પાસે શ્રેષ્ઠ ડ્રોન ટેકનોલોજી હશે, તે જ ભવિષ્યનું યુદ્ધ જીતશે.
યુદ્ધનો ચહેરો બદલતી ડ્રોન ટેકનોલોજી
ડ્રોન હવે માત્ર રડારથી બચીને દેખરેખ રાખવા પૂરતા મર્યાદિત નથી. તે ઇલેક્ટ્રોનિક વોરફેર (Electronic Warfare) માં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. હુમલો કરતાં પહેલા ડ્રોન મોકલીને દુશ્મનના સિગ્નલ અને સંચાર વ્યવસ્થાને ખોરવી નાખવામાં આવે છે. આ સિવાય, ડ્રોન હવે ચોકસાઈપૂર્વક મિસાઈલ છોડી શકે છે અને દુશ્મનની પોસ્ટ પર જઈને આત્મઘાતી હુમલા પણ કરી શકે છે. તે જમીન પરના સૈનિકોને જોખમમાં મૂક્યા વિના દુશ્મનનો ખાતમો કરવાની શક્તિ આપે છે.
પરંપરાગત હથિયારો સામે આર્થિક ફાયદો
યુદ્ધમાં આર્થિક પાસું પણ મહત્વનું હોય છે. એક આધુનિક ટેન્કની કિંમત કરોડોમાં હોય છે, જ્યારે તેને તોડી પાડનાર ડ્રોન માત્ર થોડા હજાર ડોલરમાં તૈયાર થઈ જાય છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં જોયું કે સસ્તા ડ્રોન્સે રશિયાની અત્યાધુનિક ટેન્કોના ફુરચા ઉડાવી દીધા હતા. આનાથી સાબિત થાય છે કે, ભવિષ્યના યુદ્ધોમાં મોંઘા હથિયારો કરતાં સસ્તી અને સ્માર્ટ ટેકનોલોજી વધુ અસરકારક રહેશે.
કામિકાઝે અને FPV ડ્રોનનો ખતરો
આજે સૌથી વધુ ચર્ચા 'કામિકાઝે ડ્રોન' (Kamikaze) ડ્રોનની છે, જેને 'લોઇટરિંગ મ્યુનિશન' પણ કહેવાય છે. આ ડ્રોન આકાશમાં કલાકો સુધી શિકારી પક્ષીની જેમ મંડરાતા રહે છે અને જેવું લક્ષ્ય દેખાય કે તરત જ તેની સાથે અથડાઈને વિસ્ફોટ કરે છે. તેવી જ રીતે FPV (First Person View) ડ્રોન ઓપરેટરને વીડિયો ગેમ જેવો એક્સપિરિયન્સ આપે છે. ઓપરેટર VR ચશ્મા પહેરીને ડ્રોનને બારી કે દરવાજામાંથી પસાર કરીને સીધો દુશ્મનના બંકરમાં ઘુસાડી શકે છે.
AI અને સ્વોર્મ ડ્રોન : ભવિષ્યનું જોખમ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડ્રોનને વધુ ઘાતક બનાવશે. હવે એવા ડ્રોન વિકસી રહ્યા છે જે માનવીય આદેશ વિના પણ લક્ષ્યને ઓળખીને હુમલો કરી શકશે. 'સ્વોર્મ ટેકનોલોજી' માં સેંકડો ડ્રોન એકસાથે મધમાખીના ઝુંડની જેમ હુમલો કરે છે. દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ માટે આટલા બધા નાના લક્ષ્યોને એકસાથે તોડી પાડવા અશક્ય બની જાય છે. ચીન જેવા દેશોએ તો અત્યંત નાના 'માઇક્રો ડ્રોન' પણ બનાવ્યા છે જે નરી આંખે જોઈ શકાતા નથી.
ભારતીય સેનાનું 'ઇગલ ઇન ધ આર્મ' મિશન
ભારતીય સેના આ પરિવર્તનને ગંભીરતાથી લઈ રહી છે. 2025 ના સંઘર્ષો બાદ સેનાએ 'ઇગલ ઇન ધ આર્મ' કોન્સેપ્ટ અમલમાં મૂક્યો છે. આ અંતર્ગત દરેક પાયદળ એકમમાં ડ્રોન નિષ્ણાતો તૈનાત કરવામાં આવ્યા છે. સેના હવે માત્ર બહારથી ડ્રોન ખરીદતી નથી, પણ પોતાની વર્કશોપમાં પણ ડ્રોન બનાવી રહી છે. સૈનિકોને સાયબર સિક્યોરિટી અને એથિકલ હેકિંગની પણ તાલીમ આપવામાં આવે છે જેથી દુશ્મનના ડ્રોન સિસ્ટમને હાઇજેક કરી શકાય.
આત્મનિર્ભર ભારત અને ડ્રોન બજાર
ભારતમાં ડ્રોન બનાવતા સ્ટાર્ટઅપ્સમાં મોટો ઉછાળો આવ્યો છે. 2034 સુધીમાં ભારતનું મિલિટરી ડ્રોન માર્કેટ 1.9 બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. સરકારે દેશી બનાવટના ડ્રોન પર ભાર મૂક્યો છે જેથી યુદ્ધના સમયે વિદેશી સહાય પર નિર્ભર ન રહેવું પડે. જોકે ભારત હજુ મોટા ઘાતક ડ્રોન (MALE/HALE) માટે ઇઝરાયેલ જેવા દેશો પર આધાર રાખે છે, પરંતુ ટૂંક સમયમાં આપણે 'મેડ ઇન ઇન્ડિયા' ડ્રોનથી આકાશમાં આપણી તાકાત બતાવીશું.





