ડોનાલ્ડ ટ્રમ્પ ફરીવાર ગાદી પર આવતાની સાથે જ અમેરિકા અને તાલિબાનીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે. બંધકો અંગે અમેરિકા અને તાલિબાન વચ્ચે ફરી તણાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાના નવા નિયુક્ત સેક્રેટરી માર્કો રુબિયોએ તાલિબાનને સીધી ધમકી આપી છે કે અમેરિકા હવે ઓસામા બિન લાદેન કરતા પણ મોટા તાલિબાન નેતાઓને ટાર્ગેટ કરશે અને ઈનામ જાહેર કરશે બે અબજથી પણ વધુનું.
હાલમાંજ અમેરિકા અને અફઘાન તાલિબાન વચ્ચે અમેરિકન બંધકોને લઈને ડીલ કરવામાં આવી હતી. તે ડીલમાં તાલિબાને બે અમેરિકન નાગરિકોને મુક્ત કર્યા હતા. બદલામાં અમેરિકાએ પણ ઓસામા બિન લાદેનના નજીકના સાથી સહિત બે લોકોને મુક્ત કરવા પડ્યા હતા. આ પછી, અમેરિકન ગુપ્તચર એજન્સીને સમાચાર મળ્યા કે તાલિબાન હજુ પણ ઘણા અમેરિકન નાગરિકોને બંધક બનાવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા પછી, તેઓ આ અમેરિકન નાગરિકોને કોઈને કોઈ આરોપમાં ધરપકડ કરે છે અને તેમને જેલમાં ધકેલી દે છે.
લાદેન પર કેટલું હતું ઈનામ?
અમેરિકાએ ઓસામા બિન લાદેન પર 25 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું એટલે કે બે અબજ રૂપિયાથી વધુનું ઈનામ. યુએસ સેક્રેટરીનું આ નિવેદન દર્શાવે છે કે આગામી દિવસોમાં અમેરિકા અને અફઘાન તાલિબાન વચ્ચે ઘર્ષણ વધશે. અને આવી સ્થિતિમાં અફઘાન તાલિબાન માટે મુસીબતો પણ વધી શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પહેલા જ અફઘાન તાલિબાનને અમેરિકા દ્વારા છોડવામાં આવેલા હથિયારો અમેરિકાને પરત કરવા માટે કહી ચૂક્યા છે. તાલિબાને હજુ સુધી આ અંગે અમેરિકાને કોઈ સત્તાવાર જવાબ આપ્યો નથી પરંતુ સંકેત આપ્યા છે કે તે શસ્ત્રો પરત નહીં કરે.





