Home Entertainment Dhurandhar Film In Legal Trouble Threatened With Court Case

Dhurandhar ફિલ્મ કાનૂની વિવાદમાં : શહીદ ચૌધરી અસલમની પત્નીએ આપી કોર્ટ કેસની ધમકી, કહ્યું- ‘મારા પતિને બદનામ કરશો તો છોડીશ નહીં’

Dhurandhar ફિલ્મ કાનૂની વિવાદમાં
Published by: OBS Bureau
Last Updated: Dec 08, 2025, 11:15 AM IST

Dhurandhar: આદિત્ય ધર દિગ્દર્શિત અને રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘Dhurandhar’ રિલીઝ થયાના થોડા જ દિવસોમાં કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મમાં સંજય દત્ત જે પાત્ર ભજવી રહ્યા છે તે વાસ્તવિક જીવનના પાકિસ્તાની પોલીસ અધિકારી શહીદ ચૌધરી અસલમ ખાન પર આધારિત છે. હવે ચૌધરી અસલમની વિધવા નૌરીન અસલમે ફિલ્મના ટ્રેલરમાં વપરાયેલા કેટલાક સંવાદો પર ગંભીર વાંધો ઉઠાવ્યો છે અને જો તેમના પતિને નકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યા હોવાનું લાગશે તો કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.

શું છે નૌરીન અસલમની ફરિયાદ?

પાકિસ્તાની પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન નૌરીને જણાવ્યું કે,

“મારા પતિ 1990ના દાયકામાં ‘ખલનાયક’ ફિલ્મ જોયા બાદ સંજય દત્તના મોટા ચાહક બની ગયા હતા અને તેમને પૂરો વિશ્વાસ હતો કે સંજય દત્ત તેમના વ્યક્તિત્વને ન્યાય આપશે. પરંતુ ટ્રેલરમાં એક પાત્ર ચૌધરી અસલમને ‘શેતાન’ અને ‘જીનનો બાળક’ કહે છે. અમે મુસ્લિમ છીએ, આવા શબ્દો માત્ર અસલમનું જ નહીં પરંતુ તેમની માતાનું પણ અપમાન છે, જે એક સાદી અને ઈમાનદાર મહિલા હતી. જો ફિલ્મમાં મારા પતિને નેગેટિવ રીતે બતાવવામાં આવ્યા હશે કે તેમની સામે કોઈ પ્રોપેગન્ડા કરવામાં આવ્યું હશે તો હું ચોક્કસ કાનૂની પગલાં લઈશ. ”તેમણે ઉમેર્યું કે, “ભારતીય ફિલ્મમેકર્સને પાકિસ્તાનને બદનામ કરવા માટે બીજો કોઈ વિષય કેમ નથી મળતો?”

ચૌધરી અસલમ કોણ હતા?

1963માં જન્મેલા ચૌધરી અસલમે 1980ના દાયકામાં સિંધ પોલીસમાં ASI તરીકે કારકિર્દી શરૂ કરી હતી.

2000 પછી તેમને કરાચીના કુખ્યાત લ્યારી વિસ્તારમાં ગેંગ વોર ખતમ કરવા લ્યારી ટાસ્ક ફોર્સનું નેતૃત્વ સોંપાયું હતું.

તેમણે અનેક મોટા ગેંગસ્ટરોનો ખાત્મો કર્યો હતો.

2011માં તાલિબાનના હુમલામાંથી બચી ગયા, પરંતુ 9 જાન્યુઆરી 2014ના રોજ TTPએ કાર બોમ્બથી તેમની હત્યા કરી નાખી.

ફિલ્મ ‘Dhurandhar’માં ચૌધરી અસલમના પાત્રને ભારતીય ગુપ્તચર એજન્સીના કથિત ઓપરેશન લ્યારી સાથે જોડવામાં આવ્યું છે, જે વાસ્તવિક ઘટનાઓનું અર્ધ-કાલ્પનિક ચિત્રણ છે.

ફિલ્મની સફળતા અને સ્ટારકાસ્ટ

રણવીર સિંહ, સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા મોટા કલાકારોની આ ફિલ્મે રિલીઝના પહેલા વીકએન્ડમાં જ ભારતમાં ₹100 કરોડનો બિઝનેસ કરી લીધો છે. હવે બધાની નજર ફિલ્મના નિર્માતાઓના જવાબ અને નૌરીન અસલમની આગામી કાનૂની પગલાં પર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now