Home Gujarat Ahmedabad Dholka Victory Rally Stone Pelting Mir Kuva Area Police Security

ધોળકામાં વિજય રેલી પર કાંકરીચારો : અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવાનો કર્યો પ્રયાસ, નાસભાગ થતા પોલીસનો કાફલો તૈનાત

Stone Pelting, Victory Rally Attack, Mir Kuva Dholka
Published by: Nirali Gohil
Last Updated: Apr 28, 2026, 11:19 AM IST

News: અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાંથી જૂથ અથડામણ અને કાંકરીચારાની એક ગંભીર ઘટના સામે આવી છે. ધોળકાના મીર કુવા વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના વિજેતા ઉમેદવારની વિજય રેલી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઘટનાને પગલે રેલીમાં સામેલ લોકો અને સ્થાનિકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારાની આ ઘટનાએ વિજયના ઉત્સાહને પળવારમાં ભયના માહોલમાં ફેરવી દીધો હતો.

બનાવની ગંભીરતાને જોતા ધોળકા ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. જોકે, આ અચાનક થયેલા કાંકરીચારામાં એક વ્યક્તિને ઇજા પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે, જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

રેલી મીર કુવા વિસ્તારમાં પહોંચતા જ તંગદિલી

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના વિજેતા ઉમેદવાર પોતાના સમર્થકો સાથે ભવ્ય વિજય રેલી કાઢી રહ્યા હતા. રેલી જ્યારે શાંતિપૂર્ણ રીતે મીર કુવા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક વાતાવરણ ગરમાયું હતું. અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાને કારણે રેલીમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો પોતાની જાન બચાવવા આમ-તેમ ભાગવા લાગ્યા હતા.

આ પણ વાંચો: 70 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ખાડિયામાં ભાજપના સુપડાં સાફ : ના ચાલ્યો ભૂષણ ભટ્ટનો પાકિસ્તાનનો મુદ્દો, શું ખેડાવાલાની કતલખાનાવાળી જાહેરાત કામ લાગી?

પોલીસે સ્થિતિ થાળે પાડી, ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો

ઘટનાની જાણ થતા જ ધોળકા ટાઉન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ભીડને વિખેરી નાખી હતી અને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દઈ પરિસ્થિતિ પર અંકુશ મેળવ્યો હતો. પથ્થરમારા દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. હાલમાં વિસ્તારમાં શાંતિ છે, પરંતુ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now