Devendra Fadnavis: મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટા રાજકીય ફેરફારની અટકળોએ જોર પકડ્યું છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે એવો દાવો કર્યો છે કે આગામી એક-બે મહિનામાં જો કેન્દ્ર સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ અથવા ફેરબદલ થશે તો તેની સીધી અસર મહારાષ્ટ્રની રાજનીતિ પર પણ પડી શકે છે. તેમના આ નિવેદન બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાઉતના દાવા મુજબ, જો કેન્દ્રમાં ફેરફાર થાય તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને દિલ્હીમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે. તેમના સ્થાને રાજ્યમાં ભાજપના કોઈ વરિષ્ઠ નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. જોકે, આ દાવા અંગે તેમણે કોઈ પુરાવા અથવા સત્તાવાર માહિતી રજૂ કરી નથી અને ભાજપ તરફથી પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
નાગપુરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન કર્યો દાવો
સંજય રાઉત નાગપુરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ શિવસેના (UBT) દ્વારા આયોજિત 'રામ રક્ષા આંદોલન'ની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા હતા. આ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સંભવિત રાજકીય ફેરફારો અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, જો કેન્દ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો દેવેન્દ્ર ફડણવીસને રાષ્ટ્રીય સ્તરે મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રીની પસંદગી થઈ શકે છે. જોકે તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે, આ દાવો કયા આધાર પર કરવામાં આવ્યો છે અથવા નવા મુખ્યમંત્રી તરીકે કોના નામ પર વિચાર થઈ શકે છે.
ભાજપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નહીં
સંજય રાઉતના નિવેદન બાદ રાજકીય ચર્ચાઓ તેજ થઈ છે, પરંતુ અત્યાર સુધી ભાજપ કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તરફથી આ દાવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, કેન્દ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ અથવા ફેરબદલ અંગે સમયાંતરે અટકળો સામે આવતી રહે છે, પરંતુ સત્તાવાર જાહેરાત પહેલાં આવા દાવાઓને પુષ્ટિ મળતી નથી. તેથી હાલ આ નિવેદનને રાજકીય દાવા તરીકે જ જોવામાં આવી રહ્યું છે.
18 જુલાઈથી શરૂ થશે 'રામ રક્ષા આંદોલન'
સંજય રાઉતે 18 જુલાઈથી નાગપુરમાં શરૂ થનારા 'રામ રક્ષા આંદોલન' વિશે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ આંદોલન અયોધ્યાના રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ અને નાણાંના દુરુપયોગના આરોપોના વિરોધમાં યોજવામાં આવી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમમાં વિવિધ હિન્દુત્વવાદી સંગઠનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને પણ આમંત્રિત કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે જો સંઘ પ્રમુખ મોહન ભાગવત વ્યક્તિગત રીતે હાજર ન રહી શકે તો તેઓ પોતાના પ્રતિનિધિને મોકલે તેવી વિનંતી કરવામાં આવી છે.
વિધર્ભના 11 જિલ્લાઓમાંથી કાર્યકરો જોડાશે
રાઉતે જણાવ્યું કે આ આંદોલનમાં વિધર્ભ વિસ્તારના તમામ 11 જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં રામભક્તો અને શિવસેના (UBT)ના કાર્યકરો ભાગ લેશે. તેમના જણાવ્યા મુજબ આ માત્ર રાજકીય કાર્યક્રમ નહીં પરંતુ શ્રદ્ધા અને પારદર્શિતાની માંગ સાથે જોડાયેલું આંદોલન છે. સાથે જ ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોના નેતાઓ અને સ્થાનિક ધારાસભ્યોને પણ કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું.
ખડગેની સર્વપક્ષીય બેઠકની માંગને આપ્યું સમર્થન
સંજય રાઉતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્ર અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ખડગેએ સંસદના ચોમાસુ સત્ર પહેલાં લોકસભા મતવિસ્તારના પરિસીમન (Delimitation) મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. રાઉતે કહ્યું કે, તેમની પાર્ટી આ માંગ સાથે સહમત છે અને પરિસીમન જેવા મહત્વપૂર્ણ મુદ્દે વ્યાપક રાજકીય ચર્ચા અને સર્વસંમતિ જરૂરી છે.
સોનમ વાંગચુકના આંદોલન મુદ્દે પણ કેન્દ્ર સરકાર પર નિશાન
સંજય રાઉતે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા જંતર-મંતરના પ્રદર્શન અને અનશનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે ત્યાં એક યુવતી સહિત અનેક લોકો લાંબા સમયથી અનશન પર બેઠા હોવા છતાં કેન્દ્ર સરકાર તેમની સ્થિતિ પ્રત્યે ગંભીર નથી. તેમણે કહ્યું કે, લોકશાહીમાં વિરોધ પ્રદર્શન અને જનતાના અવાજને ગંભીરતાથી સાંભળવો જોઈએ અને સરકારની સંવેદનશીલતા જળવાઈ રહેવી જરૂરી છે.
દાવા વચ્ચે રાજકીય અટકળો તેજ
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી બદલાશે કે નહીં અથવા દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રમાં નવી જવાબદારી મળશે કે, નહીં તે અંગે હાલમાં કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. જોકે સંજય રાઉતના નિવેદન બાદ રાજ્યની રાજનીતિમાં નવી અટકળો શરૂ થઈ ગઈ છે. હવે કેન્દ્ર સરકારના સંભવિત મંત્રીમંડળ વિસ્તરણ અને આગામી રાજકીય નિર્ણયો પર સૌની નજર રહેશે.





