Home Gujarat Development Will Start Around Narendra Modi Stadium

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડેવલપમેન્ટ શરૂ થશે : સાબરમતી સ્થિત આસારામ આશ્રમ પર 'તોડકામની તલવાર'!

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડેવલપમેન્ટ શરૂ થશે
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 04:49 AM IST

કોમનવેલ્થ ગેમ્સને લઈને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ મોટા પાયે વિકાસકાર્યો શરૂ કરવામાં આવ્યા છે. આ ડેવલપમેન્ટના ભાગરૂપે સાબરમતી વિસ્તારમાં આવેલી સરકારી જમીનો પર થયેલા ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી શરૂ થઈ છે. આ જ ક્રમમાં સાબરમતી ખાતે આવેલો આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જમીન પર આવેલો હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તેને નોટિસ આપવામાં આવી છે.

આશ્રમ દ્વારા કરવામાં આવેલી ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી

પ્રાપ્ત વિગતો મુજબ અંદાજે 500 કરોડ રૂપિયાની કિંમતી જમીન પર બનેલા આસારામ આશ્રમમાં કુલ 32 જેટલાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હોવાનું AMCની તપાસમાં બહાર આવ્યું છે. આ ગેરકાયદે બાંધકામોને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોન મારફતે નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલે 21 જાન્યુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આશ્રમ દ્વારા કરવામાં આવેલી ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી દીધી છે. આશ્રમ દ્વારા ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા ઇમ્પેક્ટ ફી ભરવાની અરજી કરવામાં આવી હતી, પરંતુ AMCએ તેને સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.

મામલો કોર્ટની એપેલેટ ઓથોરિટી સમક્ષ વિચારાધીન

21 જાન્યુઆરીએ મળેલી લીગલ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વકીલની નિમણૂક કરવામાં આવી છે અને આ કેસનો તાત્કાલિક નિકાલ લાવવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે જ એપેલેટ ઓથોરિટી સમક્ષ કેસ ઝડપથી પૂર્ણ કરવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હાલ આ મામલો કોર્ટની એપેલેટ ઓથોરિટી સમક્ષ વિચારાધીન છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આસારામ આશ્રમમાં થયેલા ગેરકાયદે બાંધકામો ખરેખર દૂર થશે કે નહીં. બીજી તરફ, કોમનવેલ્થની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાથી AMC ગેરકાયદે બાંધકામો સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા તૈયાર નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now