Home Gujarat Deputy Chief Minister Harsh Sanghvi Calls On Industrialists To Join Vibrant Gujarat Conference In Rajkot

રાજકોટ બનશે વાઇબ્રન્ટ ગુજરાતનું કેન્દ્ર : 11મી જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદી કરશે રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો ઉદ્યોગકારો સાથે સીધો સંવાદ

રાજકોટ બનશે વાઇબ્રન્ટ ગુજરાતનું કેન્દ્ર
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2026, 09:58 AM IST

Harsh Sanghvi Rajkot Conference: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ઉદ્યોગોની સાથે હંમેશા ઊભી રહેવાની ખાતરી આપી હતી અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભાગ લેવા ઉદ્યોગકારોને આહ્વાન કર્યું હતું.

ઉદ્યોગ સાહસિકોને રૂ. 956.51 કરોડની પ્રોત્સાહક સહાય

નાયબ મુખ્યમંત્રીના હસ્તે આ અવસરે 10,435 ઉદ્યોગ સાહસિકોને રૂ. 956.51 કરોડની પ્રોત્સાહક સહાય તેમજ ઉદ્યોગ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ 137 ઉદ્યોગકારોને રૂ. 661 કરોડના મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા આ સંવાદ કાર્યક્રમમાં સંઘવીએ જણાવ્યું હતું કે, રાજકોટ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે અને હાલ રોકાણ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દે ઝડપી વિકાસ કરી રહ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને મોટું પ્લેટફોર્મ

આગામી 11મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને મોટું પ્લેટફોર્મ પૂરું પાડશે. તેમણે ઉદ્યોગકારોના પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, એમએસએમઈ સેક્ટરને બુસ્ટ આપવા વહીવટી પ્રક્રિયાઓ સરળ બનાવવામાં આવી રહી છે. અગાઉ દૈનિક 225 સબસીડી મંજૂર થતી હતી, જે હવે 450 થઈ છે અને ટૂંક સમયમાં 700 સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે.

રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી

રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગ જગત માટે નવા યુગનું પ્રવેશદ્વાર બનશે. તેમણે સરકારની ઉદ્યોગો પ્રત્યેની સંવેદનશીલતા અને સકારાત્મક અભિગમની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સાંસદો, ધારાસભ્યો, વરિષ્ઠ અધિકારીઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now