Home Gujarat Ahmedabad Deo Ahmedabad Action Plan To Reduce School Drop Out Ratio Admission Tracking System

મિશન 100% એડમિશન : અમદાવાદમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા DEOનો 'માસ્ટર પ્લાન', દરેક બાળક પર રખાશે વોચ

Ahmedabad Education News
Published by: Nirali Gohil
Last Updated: Apr 21, 2026, 01:45 AM IST

Ahmedabad Education News: અમદાવાદમાં ધોરણ 8 પાસ કરનારા વિદ્યાર્થીઓ અધવચ્ચેથી ભણવાનું ન છોડે તે માટે જિલ્લા શિક્ષણ કચેરીએ કમર કસી છે. હવે એક ક્લિક પર વાલીઓને શાળાઓની વિગત મળશે અને દરેક વિદ્યાર્થીનું ટ્રેકિંગ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માધ્યમિકમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો ન થાય તે માટે જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ઘણીવાર આર્થિક કે અન્ય સામાજિક કારણોસર બાળકો ધોરણ 8 પછી અભ્યાસ છોડી દેતા હોય છે, જેને 'ડ્રોપ આઉટ' કહેવામાં આવે છે. આ રેશિયો ઘટાડવા અને દરેક બાળકને માધ્યમિક શિક્ષણ મળી રહે તે માટે આ વખતે તંત્ર વધુ સતર્ક બન્યું છે.

DEO અને સ્કૂલ બોર્ડ ચેરમેન સાથેની હાઈ-લેવલ કમિટી

આ એક્શન પ્લાનના અમલીકરણ માટે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO), સ્કૂલ બોર્ડના ચેરમેન સહિતના ઉચ્ચ પદાધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી સીધી રીતે સમગ્ર એડમિશન પ્રક્રિયા પર દેખરેખ રાખશે અને જ્યાં પણ કોઈ અવરોધ આવશે ત્યાં તાત્કાલિક ઉકેલ લાવશે.

દરેક વિદ્યાર્થીનું થશે ડિજિટલ ટ્રેકિંગ

જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ધોરણ 8 પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓનું વ્યક્તિગત ટ્રેકિંગ કરવામાં આવશે. વિદ્યાર્થીએ ધોરણ 9 માં એડમિશન મેળવ્યું છે કે નહીં? જો નથી મેળવ્યું તો તેની પાછળ કયા કારણો જવાબદાર છે? તેને એડમિશનમાં કઈ તકલીફ પડી રહી છે? આ તમામ બાબતોની ઝીણવટભરી તપાસ અને ટ્રેકિંગ ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે.

શાળાઓનું લિસ્ટ ઓનલાઈન, વાલીઓને મળશે મોટી રાહત

વાલીઓને તેમના વિસ્તારમાં આવેલી શાળાઓની માહિતી સરળતાથી મળી રહે તે માટે અમદાવાદ શહેરની તમામ માધ્યમિક શાળાઓનું લિસ્ટ ઓનલાઈન મૂકવામાં આવ્યું છે. જે શાળાઓમાં ધોરણ 9 ઉપલબ્ધ છે, તેની યાદી હવે વાલીઓ આંગળીના ટેરવે જોઈ શકશે. આ ઉપરાંત, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને જ્ઞાન સાધના સ્કોલરશીપનો લાભ પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે.

87,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય પર નજર

આ વર્ષે અમદાવાદમાં અંદાજે 87,000 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 8 ની પરીક્ષા પાસ કરી છે. જેમાં સ્કૂલ બોર્ડના 18,000 અને ખાનગી શાળાઓના 66,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 9 માં પ્રવેશ મેળવે તે સુનિશ્ચિત કરવા માટે 'સાર્થિ હેલ્પલાઈન' પણ કાર્યરત કરવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થીને પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડે, તો આ હેલ્પલાઈન દ્વારા તેમને નજીકની ગ્રાન્ટેડ કે સરકારી શાળામાં પ્રવેશ અપાવવામાં મદદ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now