દિલ્હીના સાકેત વિસ્તારમાં શનિવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં એક 5 માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે.
મેડિકલ વિદ્યાર્થીઓની કેન્ટીન પર પડી ઇમારત
દક્ષિણ દિલ્હી જિલ્લાના DCP અનંત મિત્તલે જણાવ્યું કે, ઇમારતનો કાટમાળ જ્યાં પડ્યો ત્યાં મેડિકલ વિદ્યાર્થીઓની એક કેન્ટીન આવેલી હતી. અકસ્માત સમયે ઘણા વિદ્યાર્થીઓ ત્યાં હાજર હોવાથી કાટમાળ નીચે દટાઈ ગયા હતા. પોલીસ અને બચાવ ટુકડીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને કાટમાળ નીચેથી 12 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.
ઇજાગ્રસ્તો માટે ગ્રીન કોરિડોર બનાવાયો
બચાવવામાં આવેલા લોકોમાંથી 10 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ખાસ 'ગ્રીન કોરિડોર' તૈયાર કરવામાં આવ્યો હતો, જેના દ્વારા તેમને AIIMS ના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, સારવાર લઈ રહેલા લોકોમાંથી 2 દર્દીઓની હાલત અત્યારે ખૂબ જ ગંભીર છે.
બચાવ કામગીરી હજુ પણ ચાલુ
ઘટનાની જાણ થતાં જ NDRF, DDMA, ફાયર સર્વિસ અને દિલ્હી પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે હજુ પણ કાટમાળ હટાવવાની અને રાહત-બચાવ કામગીરી (Rescue Operation) મોટા પાયે ચલાવવામાં આવી રહી છે.





