FIR against Blinkit: દિલ્હીમાં ક્વિક કોમર્સ પ્લેટફોર્મ Blinkit માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. દિલ્હી પોલીસે કંપની સામે Arms Act હેઠળ FIR નોંધી છે, કારણ કે તેના એપ પરથી પ્રતિબંધિત બટન છરીઓ (બટન લોક અથવા સ્વિચબ્લેડ નાઈફ્સ) વેચાઈ રહી હતી, જેનો ઉપયોગ તાજેતરની બે હત્યાઓમાં થયો હતો.
ખતરનાક હથિયારો બ્લિંકિટ એપ દ્વારા ખરીદ્યા
પશ્ચિમ દિલ્હીના ખ્યાલા વિસ્તારમાં બે અલગ-અલગ હત્યાના કેસમાં આરોપીઓએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે તેમણે આ ખતરનાક હથિયારો બ્લિંકિટ એપ દ્વારા ખરીદ્યા હતા. પોલીસને આ વાત પર વિશ્વાસ ન થતાં, તેમણે અંડરકવર ઓપરેશન કર્યું – ગ્રાહક તરીકે ઓર્ડર આપ્યો અને થોડી જ વારમાં બટન છરી ડિલિવર થઈ આવી! ત્યારબાદ પોલીસે દિલ્હીમાં બ્લિંકિટના અનેક ડાર્ક સ્ટોર્સ પર દરોડા પાડ્યા અને 50થી વધુ આવા પ્રતિબંધિત બટન છરીઓ જપ્ત કરી.
તપાસ હજુ ચાલુ
કાયદા મુજબ આવા હથિયારોનું વેચાણ અને કબજો ગંભીર ગુનો છે. બ્લિંકિટના મેનેજમેન્ટને ટૂંક સમયમાં સત્તાવાર નોટિસ મોકલવામાં આવશે, જેમાં સમજૂતી માંગવામાં આવશે કે આ હથિયારો કેટલા સમયથી વેચાઈ રહ્યા હતા અને કેટલા લોકો સુધી પહોંચ્યા હતા. તપાસ હજુ ચાલુ છે.આ ઘટના ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અને તેની તપાસની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરે છે.




















